સચીનની હત્યામાં વપરાયેલું ચપ્પુ કરવત ખંડેર મકાન બહારથી મળ્યાં

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ચકચારી સચીન ચૌહાણ હત્યા કેસમાં સી ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી છે. સચીનની હત્યા બાદ આરોપી શૈલેન્દ્રસિંહે ચપ્પુ, કરવત, સ્ત્રીના કપડા, દુપટ્ટો અને લોહીવાળી ચટ્ટાઇ સહિતની વસ્તુઓને ફેંકી દીધી હતી. આરોપી 8 દિવસના પોલીસ રીમાન્ડ પર છે ત્યારે આરોપીની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે પોલીસે આનંદ હોટલ પાસેના અવાવરૂ મકાનોની બહારથી હત્યામાં વપરાયેલું ચપ્પુ તથા કરવત કબજે કરી છે. આરોપી સચીનના મૃતદેહના ટુકડા કરી તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એકટીવા પર સ્ત્રીનો વેશ ધારણ કરી નાખવા માટે આવતો હતો.
આ ગાઉન અને દુપટ્ટો પોલીસને ટીમકેમ કંપની પાસેથી મળી આવ્યો છે. ઘરમાં જયારે સચીન અને શૈલેન્દ્ર વચ્ચે પત્નીના અંગત ફોટાઓ ડીલીટ કરવા માટે ઝગડો થયો હતો. સચીનને ચપ્પુના ઘા મારી દેતાં તેનું મોત થયું હતું. તેના મૃતદેહના ટુકડા કરતી વખતે નીકળેલા લોહીવાળી ચટ્ટાઇને આરોપીએ ટુકડા કરી આનંદ રેસ્ટોરન્ટ તરફના અવાવરૂ રસ્તા પર ટુકડા કરીને ફેકી દીધી હતી. આ તમામ વસ્તુઓને પોલીસે રીકવર કરી છે. પત્નીના અંગત ફોટા ડીલીટ કરવાના મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી.



