ભરૂચમાં ગરમીનો કહેર:તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચ્યું, લૂના દર્દીઓની સંખ્યામાં વધારો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં તહેવારો પૂર્ણ થતાં જ ગરમીએ માઝા મૂકી છે. તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આકરી ગરમીને કારણે શહેર અને જિલ્લામાં બીમાર લોકોની સંખ્યા વધી રહી છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં લૂના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દર્દીઓમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, તાવ, ઝાડા અને ઉલટી જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે.
ડો. કિરણ સી. પટેલ મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ભરૂચના એમ.ડી. મેડિસિન ડો. દીપા ઠડાનીએ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે નાના બાળકો અને વૃદ્ધોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવું અનિવાર્ય હોય તો સફેદ અથવા સુતરાઉ ઢીલા કપડાં પહેરવા જોઈએ. ડોક્ટરે વધુમાં જણાવ્યું કે પુષ્કળ પાણી પીવું જરૂરી છે. બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ન લેવો જોઈએ. ગરમીથી રાહત મેળવવા માટે નિયમિત રીતે ઠંડા પાણીના પોતા મૂકવાની સલાહ આપી છે.



