અમદાવાદમાં પ્લેટફોર્મ-ગીગ વર્કર્સ માટે વિશેષ નોંધણી ડ્રાઇવ શરૂ થશે: 7 થી 17 એપ્રિલ દરમિયાન આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ઝોમેટો, સ્વીગી, ઓલા, ઉબેર જેવા પ્લેટફોર્મમાં કામ કરતા વર્કર્સ માટે નાયબ શ્રમ આયુક્ત કચેરી દ્વારા નોંધણીનું આયોજન
અમદાવાદ જિલ્લા શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નાયબ શ્રમ આયુક્ત કચેરી ખાતે પ્લેટફોર્મ-ગીગ વર્કર્સ માટે ખાસ નોંધણી અભિયાન શરૂ કરવામાં આવશે. 7 એપ્રિલથી 17 એપ્રિલ 2025 સુધી યોજાનારી આ સ્પેશિયલ રજિસ્ટ્રેશન ડ્રાઇવનો હેતુ ગીગ વર્કર્સને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાવી તેમને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.
કેન્દ્રીય બજેટ 2025-26માં કેન્દ્ર સરકાર દ્વારા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા પ્લેટફોર્મ વર્કર્સને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્ય કવરેજ આપવાનો સમાવેશ કરાયો છે. આવી સ્થિતિમાં ઝોમેટો, સ્વીગી, ઝેપ્ટો, ઓલા, ઉબેર જેવી પ્લેટફોર્મ કંપનીઓમાં કાર્યરત કર્મચારીઓને હવે સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સનો પણ લાભ મળી શકે છે.
પ્લેટફોર્મ વર્કર્સ માટે અમદાવાદમાં વિવિધ સ્થળોએ રૂબરૂ નોંધણી માટેની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં નીચેના સ્થળોનો સમાવેશ થાય છે:
નાયબ શ્રમ આયુક્ત કચેરી, ખાનપુર
શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, સુખરામનગર
શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, રાયપુર
શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, મેઘાણીનગર
શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, રખિયાલ
આ ઉપરાંત ઇચ્છુક વર્કર્સ પોતે ઓનલાઈન પણ નોંધણી કરી શકે છે. તે માટે https://register.eshram.gov.in/#/user/platform-worker-registration લિંકનો ઉપયોગ કરવો રહેશે. નોંધણી સમયે અરજદારે પોતાનો આધાર કાર્ડ, પાન કાર્ડ અને મોબાઈલ સાથે રાખવાનો રહેશે.
મદદનીશ શ્રમ આયુક્ત, અમદાવાદ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ ખાસ અભિયાનથી નોંધાયેલા વર્કર્સને આગામી સમયમાં અનેક સરકારી લાભોનો સીધો લાભ મળશે.




