Rajkot: “સચેત રહો, સુરક્ષિત રહો” જાહેર જનતાને હીટવેવથી બચવા માટેની કાળજીઓ અંગે સરકારની માર્ગદર્શિકા

તા.૮/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
“ગરમી સામે સાવચેતી એ જ સલામતી” સૂત્રને સાર્થક કરવા ૧૦૭૭ હેલ્પલાઇન નંબર શરૂ કરાયા
Rajkot: ઉનાળાની ઋતુના લીધે રાજ્યમાં ગરમી વધી રહી છે. અને આગામી દિવસોમાં ભારે ગરમી રહેવાની રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે.
ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકના જોખમ સામે લડવા સજ્જ રહેવા અને ગરમીના મોજાથી બચવા માટે નાગરિકોએ કેટલાક મહત્વના પગલાં લેવા જરુરી છે. આ સંદર્ભમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર જનતાને હીટવેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું? તે અંગે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે.
હીટવેવથી બચવા શું કરવું? નાગરિકોએ પાણી પીતા રહેવું, તરસ ન લાગે તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવું. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુનું શરબત, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો. વજન અને રંગમાં હળવા હોય તેવા સુતરાઉ કપડા પહેરવા, આંખોના રક્ષણ માટે સનગ્લાસ પહેરવા, ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લગાડવું. ઘરની બહાર જઈએ ત્યારે માથાને કપડાં, છત્રી અથવા ટોપીથી ઢાંકવા. બાળકો, વૃદ્ધો, બિમાર અને વધુ વજન ધરાવતી વ્યક્તિઓએ કે જેઓ “લુ” ના ભોગ બનવાની સંભાવના વધુ હોવાથી તેમની વિશેષ કાળજી રાખવી જોઈએ.
હીટવેવથી બચવા શું ન કરવું? આવશ્યક ન હોય તો બપોરે તડકામાં જવાનું ટાળવું. ખાસ તો બપોરે ૧૨ થી ૪ વાગ્યાની વચ્ચેના તડકામાં ન જવું. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા, કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણાનો ઉપયોગ ન કરવો. મસાલેદાર ખોરાક ટાળવા. તળેલું, વધુ મીઠું ખાવાનું ટાળવું જોઈએ.
હીટવેવ પીડિત માટે પ્રાથમિક ઉપચાર માટે શું કરવું? જો કોઈ વ્યક્તિને લુ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે વ્યક્તિના માથા પર પાણી રેડવું અને ભીના કપડાનો ઉપયોગ કરવો. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS અથવા લીંબુ પાણી જેવા પ્રવાહી આપવા અને હીટવેવ થયો હોય તેવી વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવી. શરીરનું તાપમાન સતત વધતું રહે, માથાનો અસહ્ય દુઃખાવો, ચક્કર, નબળાઇ, ઉલટી થાય અથવા બેહોશ થઇ જાય તો તરત જ એમ્બ્યુલન્સને કૉલ કરી બોલાવી લેવી.
આ ઉપરાંત, હીટવેવથી બચવા વધુ માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા ૧૦૭૭ હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધવો.



