વક્ફ સંશોધન કાયદો 2025 સત્તાવાર રીતે લાગુ, કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલ 2025ના રોજ વક્ફ કાયદામાં સુધારા માટે સંસદે પસાર કરેલા બિલને આખરે મંજૂરી આપી દીધી હતી. ત્યારથી આ બિલ કાયદામાં ફેરવાઇ ગયું હતું. ત્યારબાદ આજથી (8 એપ્રિલ, 2025) વક્ફ સંશોધન કાયદો, 2025 સત્તાવાર રીતે લાગુ થયો છે. આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું છે. આમ, હવે સમગ્ર દેશમાં આ કાયદો હવે લાગુ થશે અને સાથે જ આ કાયદો આઝાદી પૂર્વેના મુસલમાન વક્ફ કાયદાનું સ્થાન લેશે. દરમિયાન વક્ફ કાયદામાં સરકારે કરેલા સુધારા સામે વધુ એક અરજી દાખલ કરાઇ છે.
કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં વક્ફ (સુધારા) બિલની માન્યતાને પડકારતા કહ્યું કે તે બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. જાવેદની અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ બિલ વકફ મિલકતો અને તેમના સંચાલન પર “મનસ્વી પ્રતિબંધો” ની જોગવાઈ કરે છે, જે મુસ્લિમ સમુદાયની ધાર્મિક સ્વાયત્તતાને નબળી પાડશે. એડવોકેટ અનસ તનવીર દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બિલ મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરે છે કારણ કે તે “એવા પ્રતિબંધો લાદે છે જે અન્ય ધાર્મિક દાનોમાં અસ્તિત્વમાં નથી.” ઓવૈસીની અરજી એડવોકેટ લઝફિર અહેમદ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
વક્ફ સંશોધન કાયદાની વિરૂદ્ધમાં થઈ રહેલા વિરોધમાં સુપ્રીમ કોર્ટે ઝડપથી સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટ આ મામલે 16 એપ્રિલના રોજ સુનાવણી કરશે. એનડીએ સરકારના વક્ફ સંશોધન કાયદા 2025ની વિરૂદ્ધમાં વિપક્ષના નેતાઓ સહિત મુસ્લિમ ધર્મ સંગઠને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેને પડકારતી અપીલ પર સુપ્રીમ કોર્ટ 16 એપ્રિલે સુનાવણી કરશે.




