વીજપોલ પર મરામત સમયે વીજકર્મી લટકી ગયો:ભરૂચના સીમલીયામાં DGVCLની વીજલાઈનમાં રિવર્સ કરંટથી દુર્ઘટના, ગામલોકોએ જેમતેમ કરી બચાવ્યો, શરીર અને બંને હાથ દાઝ્યા


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના પાલેજ તાલુકાના સીમલીયા ગામમાં વીજ લાઈનની મરામત દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે. વીજ કર્મચારીને રિવર્સ કરંટ લાગતા તે વીજ પોલ પર લટકી ગયો હતો.
ઘટના દરમિયાન બે જીઈબી કર્મચારીઓ વીજ લાઈનની મરામત કરી રહ્યા હતા. એક કર્મચારી વીજ પોલ પર કામગીરી કરી રહ્યો હતો. આ સમયે બંધ વીજ લાઈનમાં અચાનક રિવર્સ કરંટ આવ્યો. કર્મચારીને કરંટ લાગતા તે વીજ પોલ પર જ લટકી ગયો.
આ દૃશ્ય જોઈને આસપાસના ગ્રામજનો તરત જ દોડી આવ્યા. લોકોએ સૂઝબૂઝ વાપરીને કર્મચારીને સલામત રીતે નીચે ઉતાર્યો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. કર્મચારીને હાથ અને શરીરના કેટલાક ભાગમાં દાઝી જવાની ઈજાઓ થઈ છે. વિજ વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે. બંધ વીજ લાઈનમાં રિવર્સ કરંટ કેવી રીતે આવ્યો અને સુરક્ષાના સાધનોના ઉપયોગમાં કોઈ ખામી રહી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.




