GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તેવો ખેડૂત હિતકારી અભિગમ

તા.૯/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો વહેલું અપાશે

૧૩ લાખ જેટલા ખેડૂતોને સિંચાઇનો સીધો લાભ મળશે

Rajkot: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરૂં આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે તા.૧૫મી મે, ૨૦૨૫થી આપવાનો નિર્ણય કર્યો છે.

સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે તા.૧૫મી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે. ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ વધુ ઉત્પાદન મળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે સંવેદનશીલતાપૂર્વકનો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડ વિસ્તારમાં તા.૧૫ જૂનને બદલે તા.૧૫મી મે એટલે કે 30 દિવસ વહેલું જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીના કિસાન હિતકારી નિર્ણયને પગલે ખેડૂતો ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરૂં આયોજન ખેડૂતો કરી શકશે. એટલું જ નહિં, ઉત્પાદન વધારા માટે આગોતરી વાવણી પણ કરી શકશે.

આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારના આશરે ૧૩ લાખ ધરતીપુત્રોને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે. પાક વહેલો થવાથી તેમને બજારમાં સારી ઉત્પાદન કિંમત મળશે તેમજ વધુ ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં પણ વૃદ્ધિ થશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે કિસાન હિતકારી આ વધુ એક નિર્ણય લઈને ખેડૂતોની પડખે સદાય ઉભી રહેતી સરકારની અનુભૂતિ લાખો કિસાનોને કરાવી છે.

Back to top button
error: Content is protected !!