Rajkot: રાજકોટ જિલ્લામાં ઉનાળામાં બપોરે ૧થી ૪ બાંધકામ શ્રમયોગીઓને વિશ્રામ આપવા ફરમાન

તા.૯/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી દ્વારા સૂચના જારી
Rajkot: હાલ વધતી ગરમી અને હીટવેવના સમયમાં બપોરે બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોય છે, ત્યારે રાજકોટ જિલ્લામાં બાંધકામ સાઈટો પર ખુલ્લા તાપમાં કામ કરતા શ્રમયોગીઓને ઉનાળાના સમયમાં બપોરે ૧થી ૪ વિશ્રામ આપવાનું ફરમાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી-રાજકોટ દ્વારા જારી કરવામાં આવ્યું છે.
કચેરીના નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયા પ્રમાણે, ઉનાળાની સિઝનમાં પડતી અતિશય ગરમી અને લૂથી મકાન અને બાંધકામની કામગીરીમાં રોકાયેલા શ્રમયોગીઓના સ્વાસ્થ્ય સામે જોખમ સર્જાતું હોય છે. આથી ખુલ્લી જગ્યા કે સીધો સૂર્યનો તાપ આવતો હોય તેવી સાઈટો પર કામ કરતા બાંધકામ શ્રમયોગીઓને બપોરે ૧થી ૪ના સમયમાં વિશ્રામ આપવાની સૂચના બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાક્ટર્સ તેમજ બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવી છે. આગામી જૂન મહિના સુધી આ વિશ્રામ ખાસ કિસ્સામાં ફાળવવાનો રહેશે અને તેને બાંધકામ શ્રમયોગીઓ માટેના નિયમ મુજબ વિશ્રામનો જ સમય ગણવાનો રહેશે. આ રીતે અપાતા વિશ્રામ સહિતનો કુલ સ્પ્રેડ ઓવર દિવસમાં ૧૨ કલાકથી વધે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું રહેશે.



