વાગરા: નાંદીડા ગામની સીમમાં ચાલતું ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું, ખાણખનીજ વિભાગે હિટાચી મશીન જપ્ત કર્યું


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ભૂસ્તરશાસ્ત્રીને બિનઅધિકૃત માટી ખનનની ફરિયાદ મળી હતી. આ ફરિયાદ અન્વયે શુક્રવારની રાત્રીએ ભુસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજનાં બિનઅધિકૃત ખનન બાબતે તપાસ ટીમ તૈયાર કરી વાગરા તાલુકાના નાંદીડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતું હિટાચી મશીન કબ્જે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદીડા ગામની સીમમાં સર્વે નંબર 48 ના એક ખેતરમાં આ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું. શું રોયલ્ટી વિનાજ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા.? અને કોની રહેમ નજર હેઠળ આ માફિયાઓ બેફામ બન્યા છે?, માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે. તો તેને વહન કરવામાં વપરાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે.? તે વાહનો પણ કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાય રહ્યા છે. આધારભૂત સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર માટી ખનન કરાવનાર વાગરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપ-પ્રમુખ અનિલ વસાવા હોવાની માહિતી પણ સાંપડી હતી. જોકે આ મુદ્દે અનિલ વસાવાનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓએ આ મુદ્દે કઈ પણ કહ્યા વિના ફોન કત કરી નાખ્યો હતો. તો બીજી તરફ ખાણખનીજ વિભગના અધિકારીનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સંપર્ક સાધી શકાયો ન હતો. શુક્રવારે સાંજે 6:30 કલાકે આ લખાઈ રહ્યું છે. ત્યાં સુધી પણ ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી. આ હિટાચી મશીન કોનું છે?, ટોટલ મુદ્દામાલ કેટલો છે.?, કોણ કોણ આ કામમાં શામેલ છે.? કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. તેતો ખાણખનીજ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરે ત્યારે ખબર પડશે. જોકે ખાણખનીજની કાર્યવાહીને લઈને હાલતો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂ-માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.



