GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “સુપોષિત બાળક, મેદસ્વિતામુક્ત બાળક” રાજકોટ ગ્રામ્યમાં માતાઓ અને બાળકોને પોષણ અને આરોગ્યની સારી આદતોને કેળવવા પ્રોત્સાહિત કરાયાં

તા.૧૮/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

બાળકોમાં સ્થૂળતાને દૂર કરવા વિવિધ સ્પર્ધાઓનું આયોજન : માતાઓને પોષણયુક્ત આહારનો ઉપયોગ કરવા માર્ગદર્શન

Rajkot: સ્વસ્થ જીવન જીવવા માટે પોષણ મહત્વનું પરિબળ છે. આથી, ગુજરાત સહિત દેશભરમાં હાલમાં ‘પોષણ પખવાડીયું – ૨૦૨૫’ ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતે મુખ્ય સેવિકા બહેનો, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો દ્વારા લાભાર્થી માતાઓ અને બાળકોને પોષણયુક્ત આહારનો ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેઓને સમજાવાય છે કે આંગણવાડીમાં આપવામાં આવતા ટેક હોમ રાશન પોષણયુક્ત તત્વોથી ભરપૂર છે. જેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી બાળકો સુપોષિત બને છે. આથી, તમામ પ્રકારના પોષણ મળી રહે તેવા પ્રકારના આહારનો દૈનિક જીવનમાં સમાવેશ કરવો જોઈએ.

આ ઉપરાંત, આ અભિયાનનો ઉદ્દેશ બાળકોને પોષણયુક્ત બનાવવાની સાથેસાથે તેઓને મેદસ્વિતામુક્ત બનાવવાનો પણ છે. જેના માટે બાળકોમાં સ્થૂળતા અટકાવવા બાબતે જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા તથા મેદસ્વિતાને દૂર કરવા દોડ સ્પર્ધા અને વિવિધ રમતો યોજાય છે. તેમજ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને માતાઓ અને બાળકોને પોષણ અને આરોગ્યની સારી આદતોને કેળવવા પ્રોત્સાહિત કરાય છે. તેમજ ભુલકાંઓને અન્નપ્રાશન તથા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કરાય છે.

ઉલ્લેખનીય છે કે દરેક કાર્યક્રમના અંતે ‘સહી પોષણ, દેશ રોશન’ની નેમ સાથે પોષણ શપથ લેવડાવવામાં આવે છે. આમ, પોષણ પખવાડિયાની ઉજવણીની સાથેસાથે ‘સુપોષિત ગુજરાત’ના નિર્માણ માટે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી પ્રતિબદ્ધ છે.

Back to top button
error: Content is protected !!