નવસારીમાં આજે ૨૦ મીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૯ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ ૧-૨ની પરીક્ષા યોજાશે
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*પરીક્ષાના સુચારૂ આયોજન અને તૈયારી સહિતની કામગીરી માટે કુલ ૨૪૨ અધિકારી-કર્મચારીઓની જહેમત*
*નવસારી જિલ્લામાં ૨૫૮૦ ઉમેદવારો પરીક્ષા આપશે, જિલ્લા તિજોરી કચેરીને સ્ટ્રોંગરૂમ બનાવાયો*
*પરીક્ષા કેન્દ્રો પર અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ સહિતના કેટલાક નિયંત્રણો જાહેર*
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧-૨ અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા (વર્ગ-૨) ની પરીક્ષા તા. ૨૦/૦૪/૨૦૨૫ ના રોજ કલાક ૧૨-૦૦ થી ૧૫-૦૦ કલાક દરમિયાન નવસારીના કુલ ૯ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.
તદનુસાર નવસારીમાં જે-જે કેન્દ્રો (સ્કૂલ/હાઇસ્કુલ) માં પરીક્ષા લેવાનાર છે, તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર તા. ૨૦/૦૪/૨૦૨૫ (રવિવાર) ના રોજ સવારે ૦૮-૦૦ થી ૧૭-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં ૧૦૦ મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. તથા પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરના અંતરમાં ઝેરોક્ષ, ફોટોકોપી, પ્રિન્ટીંગની દુકાનો ચાલુ રાખી શકશે નહીં. લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે ઉક્ત સમય દરમિયાન ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં, એવું જાહેરનામામાં જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. જો કે પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત જાહેર સેવા આયોગના અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે.
મહત્વનું છે કે, નવસારીમાં કુલ ૨૫૮૦ ઉમેદવારો આ પરીક્ષા આપશે, ત્યારે પરીક્ષાના સુચારૂ આયોજન, સલામતીનો બંદોબસ્ત તેમજ તૈયારી સંદર્ભે કલેક્ટરશ્રીની કચેરી સહિતનો કુલ ૨૪૨ સ્ટાફ કામગીરીમાં વ્યસ્ત છે. જિલ્લા તિજોરી કચેરીને સ્ટ્રોંગરૂમ બનાવવામાં આવ્યો છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો અને સ્ટ્રોંગરૂમ ખાતે સલામતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.