VALSAD:બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ઘટાડવા વલસાડમાં સ્પેશ્યલ સાયકલોથોનમાં ૧૦૦ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


વલસાડ,તા. ૨૧ એપ્રિલ- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને ભોજન પસંદગી ચીવટપૂર્વક કરવા અપીલ કરી મેદસ્વિતા મુદ્દે જાગૃતિ લાવીને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યુ હતું. જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ઠેર ઠેર મેદસ્વિતા સામે ઝુંબેશ શરૂ થઈ છે. જેમાં સરકારી તંત્ર તેમજ સ્વૈચ્છીક સંગઠનો પણ જોડાઈને મેદસ્વિતા સામે જંગ આરંભી છે. બાળકોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધી રહ્યું હોવાથી બાળકો અને વાલીઓમાં પણ જાગૃતિ આવે તે માટે વલસાડના સન્ડે સ્પોર્ટ્સ કલબના સહયોગથી મુંબઈ સાયકલ દ્વારા વલસાડના સેગવી ખાતે બાળકો માટેની સ્પેશિયલ સાયકલોથોન યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકેલા અને આયર્નમેન તરીકે જાણીતા તેમજ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સાઈકલિંગ માટે ચાર વાર અને રનિંગમાં એક વાર પોતાનું નામ નોંધાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવનાર પ્રીતિ મસ્કેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
દેશ વિદેશમાં સાઈકલિસ્ટ તરીકે જાણીતા પ્રીતિ મસ્કેએ બાળકોમાં વધતા જતા મેદસ્વિતાના પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી વાલીઓ તેમજ બાળકોને મોબાઈલ તેમજ ઈનડોર ગેમ્સથી દૂર રાખી બહાર વિવિધ રમતો રમે તેમજ સાઈકલિંગ અને રનિંગમાં રસ કેળવે તો મેદસ્વિતાથી દૂર રહી શકાય અને સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. જે માટે દેશના વડાપ્રધાનશ્રીએ ચિંતા વ્યકત કરતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલું ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’’ અભિયાન પ્રશંસાને પાત્ર છે. વધુમાં તેમણે સાઈકલિંગના ફાયદા અંગે સમજ આપી હતી.
કિડ્ઝ સાઈકલોથોનના વલસાડમાં મુંબઈ સાઈકલના આયોજક શુભમ નિકુમે દરેક બાળકો સાયકલ સાથે જોડાય તે માટે ભાર મુક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, આ નાનકડા પ્રયાસ દ્વારા બાળકોને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું પ્લેટફોર્મ મળી રહેશે. આ સ્પર્ધામાં વલસાડમાંથી ૧૦૦ જેટલા બાળકોએ ૭ થી ૯ વર્ષ, ૧૦ થી ૧૨ અને ૧૩ થી ૧૪ વર્ષની કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોની સલામતી અને સુરક્ષા માટે રૂટ ઉપર પાયલોટિંગ અને વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના ડો. રોહન પટેલ એમ્બ્યુલન્સ ટીમ સાથે ખડેપગે તૈનાત રહ્યા હતા. આ કિડ્ઝ સાઈકલોથોનને સફળ બનાવવા માટે સન્ડે સ્પોટ્સ કલબ દ્વારા પણ વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો.


