BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
તુવેરની ટેકાના ભાવે ખરીદી:જંબુસરમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,550ના ભાવે ખરીદી શરૂ, 23,000 બેગનું વેચાણ

સમીર પટેલ, ભરૂચ
જંબુસર તાલુકામાં ગુજરાત એગ્રો એજન્સી દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. યુનિયન જીનની બાજુમાં આવેલા મથક પર ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. 7,550નો ભાવ મળી રહ્યો છે.
વહેલી સવારથી ખેડૂતો ટ્રેક્ટરમાં તુવેર ભરીને આવે છે. રોજ લગભગ 70થી 80 ટ્રેક્ટર તુવેર લઈને પહોંચે છે. ખરીદી શરૂ થયાના દસથી બાર દિવસમાં અંદાજે 23,000 બેગની ખરીદી થઈ ચૂકી છે. ખરીદી કેન્દ્ર પર અવ્યવસ્થા ન સર્જાય તે માટે ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. જો કે, દિવસભરના લાંબા ઇંતજાર પછી પણ તમામ ખેડૂતોની તુવેર ખરીદી થઈ શકે તેવી વ્યવસ્થા હજુ અપૂર્ણ છે. તુવેરના સારા ભાવના કારણે પંથકના ખેડૂતોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.




