AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટીય વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે દિવસ દરમ્યાન ભારે ગરમીનો ઉકળાટ જોવા મળ્યો હતો.ત્યારબાદ મધ્યરાત્રિ દરમિયાન લગભગ 2 વાગ્યે અચાનક વાદળો ઘેરાતા કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં તંગદિલી છવાઈ ગઈ હતી.ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને તેના નજીકના શામગહાન,ગલકુંડ, માલેગામ, જોગબારી, ગોટીયામાળ, ગુંદિયા, સોનુનિયા, કોટમદર અને જાખાના,હુંબાપાડા,સહિત સરહદીય ગામડાઓમાં કમોસમી વરસાદના છાંટા અને વીજળીના ચમકારા જોવા મળ્યા હતા.વાતાવરણમાં આવેલા આ પલટાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી,પરંતુ બીજી તરફ ખેડૂતો માટે મુશ્કેલી વધી ગઈ હતી.ખેડૂતોના ખેતરમાં ઊભો પાક અને ઉનાળુ પાક તેમજ પશુઓ માટેનો ઘાસચારો બચાવવા માટે રાત્રિના અંધારામાં દોડધામ મચી ગઈ હતી.ખેડૂતો તાડપત્રી લઈને ખેતરમાં સંગ્રહ કરેલા પાકને વરસાદથી બચાવવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.ડાંગ જિલ્લામાં પેઢીઓથી ચાલી આવતી આદર પ્રથાની કામગીરી પર પણ આ કમોસમી વરસાદની અસર જોવા મળશે,એવું ખેડૂતોનું કહેવું છે. થોડા દિવસો પહેલાં જ ખેડૂતોએ આદર તૈયાર કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ વાતાવરણ બગડતાં હવે તેઓ ઉતાવળ કરશે એવું લાગી રહ્યું છે. ડાંગ જિલ્લાના ઘણા વિસ્તારોમાં સારા વરસાદના કારણે જમીન પર પાથરેલો આદર પલળી જવાની માહિતી ખેડૂતો પાસેથી મળી રહી છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.જેમાં ઉલ્લેખનીય છે કે, શનિવારે ડાંગ જિલ્લાના શામગહાન,આહવા અને સુબીર  ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને વઘઈ ખાતે 40 ડિગ્રી તથા સાપુતારા ખાતે 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.આમ,રાત્રે પડેલા વરસાદને પગલે ગરમીમાં થોડો ઘટાડો નોંધાયો હોવાનું જણાઇ રહ્યું છે..

Back to top button
error: Content is protected !!