
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા ખાતે એક મહિલા દ્વારા ગાય પર હુમલો કરવામાં આવ્યો હતો અને ગાયના શરીરે ઇજા પહોંચાડવામાં આવી હતી.ત્યારે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આહવા ખાતે રહેતી સુમિત્રાબેન ગુલાબભાઈ પવાર(ઉ. વ.38) એ તેમના જ ઘર પાસે રહેતી નિર્મળાબેન દામુભાઈ રાઉતના ઘરે પહોંચી હતી અને નિર્મળાબેન ને કહેતા હતા કે,”તમારી ગાય મારા ઘરમાં મુકેલ અનાજ (ચોખા) ખાઈ ગયેલ છે તેથી હું તેને કુહાડીથી મારી જ નાખીશ.” ત્યારે નિર્મળાબેને કહ્યું હતું કે “તમે મારી ગાયને કુહાડીથી ના મારતા મારી ગાયે તમારૂ જે પણ નુકશાન પહોંચાડેલ છે તે હું ભરપાઈ કરી આપીસ.” તો સુમિત્રાબેન કહેવા લાગેલ કે મારે નુકશાનની ભરપાઈ નથી જોઈતી મારે તમારી ગાયને મારી જ નાખવી છે”. તેમ કહી ત્યાંથી તેઓ જતા રહેલ અને ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં ગાય ઉભેલ હતી.જે ગાયની ઉ.વ. આ.04 વર્ષ હોય તેની પાસે જઈ ગાયને કુહાડીથી શરીર ઉપર મારવા લાગેલ તેમજ લાતો વડે માર મારવા લાગેલ હતી. અને થોડીવાર પછી સુમિત્રાબેન ગાયને કુહાડી મારીને ત્યાથી જતા રહ્યા હતાં.આ ઘટનામાં ગાયને પુછડીના ભાગે તેમજ આખા શરીરે નાની મોટી ઇજાઓ થયેલ હતી. જેથી ત્યાં હાજર ગૌરક્ષક કેવલભાઈ ચૌધરીએ પશુ દવાખાનામા આ બાબતે ફોન કરીને જાણ કરતા પશુ દવાખાનાથી ડોક્ટર આવ્યા હતા અને ગાયની સારવાર કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો આહવા પોલીસ મથકે પહોંચ્યો હતો અને પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





