નર્મદા જિલ્લામાં ખનીજ માફીયાઓ દ્વારા પ્રાંત અધિકારી સહિત ટીમ ઉપર વાહન ચઢાવવાનો પ્રયાસ
પ્રાંત કચેરીના અધિકારીઓએ વાહનો રોકવાનો પ્રયાસ કરતા બેફામ બનેલા માફિયાઓએ અધિકારીઓને લોડર થી કચડી નાખવાનો પ્રયાસ કર્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં નર્મદા નદીના પટમાંથી ઘણી બધી જગ્યાઓએ ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની બૂમો ઉઠતી આવી છે ત્યારે નર્મદા જિલ્લાના સિસોદ્રા ગામે નદીના પટમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાની નર્મદા જિલ્લાના રાજપીપળા પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવીને બાતમી મળતા તેઓએ નાયબ મામલતદાર તેમજ હિસાબનીશ સાથે બે ટીમો બનાવીને બે સ્થળે દરોડા પાડ્યા હતા ત્યારે બેફામ બનેલા ખનીજ માફિયાઓએ અધિકારીઓ ઉપર વાહનો ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે આ બાબતે પ્રાંત અધિકારી દ્વારા બે હાયવા ને કબજે લઈ અન્ય ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રેઇડ કરવા ગયેલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા ત્યાં ઉભેલા વાહનો ટ્રેક્ટર અને લોડરને ઉભા રહેવા જણાવ્યું છતાં ચાલકો બેફામ વાહનો હંકારીને લઈ ગયા હતા ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર ઘટનાના વિડિઓ વાયરલ થઈ રહ્યા છે ત્યારે લોકોમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું ખનીજ માફીયાઓ ને કાયદાનો ડર નથી રહ્યો ? શું તેમના માથે કોઈ મોટો રાજકીય હાથ છે ? ત્યારે આવા બેફામ બનેલા ખનીજ માફીયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે
સમગ્ર ઘટનામાં પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવીને હાથના ભાગે ઇજા થઈ હતી પ્રાંત અધિકારી દ્વારા હાઈવા GJ 07 YZ 3916 તેમજ GJ 05 UG 4964 ને કબજે લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે