અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જીલ્લાની ૩૮ આરોગ્ય સંસ્થાઓએ રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર મેળવ્યું.
આયુષ્માન આરોગ્ય મંદિરને ગુણવતાયુક્ત સેવાઓ માટે રાષ્ટ્રિયકક્ષાનુ NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર મળ્યુ.
અરવલ્લીનાં અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેના સંદર્ભમાં તાજેતરમાં અરવલ્લી જીલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદિર (પી.એચ.સી.)-૧૧ અને આયુષ્માન આરોગ્ય મંદિર(સબસેન્ટર)-27 મળી કુલ-૩૮ આરોગ્ય સંસ્થાઓને રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણપત્ર મેળવ્યા છે. જેમાં અરવલ્લીની તમામ સંસ્થાઓએ ૮૦ % થી વધુનો સ્કોર પ્રાપ્ત કરેલ છે. આરોગ્ય શાખાએ આ સિદ્ધિ પ્રાપ્ત કરતાં જિલ્લાના કર્મયોગી અધિકારી-કર્મચારીઓના અથાગ પ્રયાસોથી અરવલ્લી જિલ્લાએ સમગ્ર રાજ્યમાં NQAS પ્રમાણપત્ર મેળવવામાં અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ દ્વારા આપણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગુણવત્તાનાં ઉચ્ચ માનાંકો અનુસાર સગર્ભા માતાઓ, નવજાત શિશુ અને બાળકોની જરુરી આરોગ્ય સંભાળ, રસીકરણ, કુટુંબ કલ્યાણ અને રોગચાળા સહિત વિવિધ રાષ્ટ્રિય આરોગ્ય કાર્યક્રમોની સેવાઓ આપી સ્વસ્થ અરવલ્લીનાં સંકલ્પને સિદ્ધ કરીશું.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતું કે જિલ્લામાં ગુણવતા યુકત આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેનાં સમગ્ર તંત્રના સહિયારા પ્રયાસોનું આ ઉત્તમ પરિણામ છે. આગામી સમયમાં આપણે બાકી રહેલ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો ને NQAS રાષ્ટ્રિય કક્ષાનુ પ્રમાણપત્ર મેળવવાનું લક્ષ્ય છે.તાજેતરમાં આયુષ્માન આરોગ્ય મંદિર(પેટા આરોગ્ય કેન્દ્ર) કોલવડાને ૮૭.૦૯% સ્કોર મેળવીને NQAS અંતર્ગત પ્રમાણપત્ર એનાયત થયેલ છે.જિલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS અંતર્ગત ગુણવતાયુકત સેવાઓ માટે રાષ્ટ્રિય કક્ષાનુ પ્રમાણપત્ર મળવાથી જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીચ્છનો ઉમેરો થયો છે.