GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શિક્ષક માતા-પિતાના પુત્રની સફળ કહાની….રાજકોટના શ્રી દુષ્યંત ભેડાએ બીજી વાર યુ.પી.એસ.સી. પરીક્ષા ઉત્તીર્ણ કરીને રાજકોટનું ગૌરવ વધાર્યું 

તા.૧/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન: અશ્વિન જાટીયા- ગાંધીનગર, સંકલન- દિવ્યા ત્રિવેદી- રાજકોટ

ખરૂં સપનું એ કે જે ઉંઘવા ન દે…મકકમ મન અને નકકર આયોજન સાથે ૨૦૨૩ અને ૨૦૨૫મા યુ.પી.એસ.સી ઉત્તીર્ણ કરતાં શ્રી ભેડા

સંઘર્ષ વિના કયારેય સફળતા નથી. યુવા મિત્રોને નિરાશ થયા વગર આત્મવિશ્વાસથી સતત ઝઝુમવાનો સકસેસ મંત્ર આપતા શ્રી ભેડા

Rajkot: ગુજરાતીઓ માટે માન્યતા છે કે, ગુજરાતી પ્રજા વ્યવસાયે મોખરે…..સનદી અધિકારી બનવા માટે ભારતની સૌથી અઘરી સ્પર્ધાત્મક પરીક્ષા અને યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વીસ એકઝામમાં એક સમયે ગુજરાતી ઉમેદવારો ઉત્તિર્ણ જ થતા ન હતાં. આજે આ પરીક્ષામાં પણ ધીમે ધીમે ગુજરાતી ઉમેદવારોની સંખ્યા વધવા લાગી છે. તાજેતરમાં જ જાહેર થયેલા યુ.પી.એસ.સી.ના આખરી રીઝલ્ટના ટોપ-૩૦માં ગુજરાતના ૩ તારલાઓ સહિત કુલ ૨૬ ઉમેદવારો પાસ થયા છે. જેમાં રાજકોટના દુષ્યંત ભેડાએ બીજીવાર આ પરીક્ષા પાસ કરી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે.

મૂળ ઉપલેટાના વતની અને હાલ રાજકોટમાં વસતાં શ્રી દુષ્યંત પ્રવિણભાઈ ભેડાએ સાબિત કરી બતાવ્યું કે, મક્કમ મન અને આયોજન નક્કર હોય તો સફળતા મેળવતાં કોઈ રોકી શકતું નથી. તેમણે ડો.અબ્દુલ કલામના વાકય “ ઉજજવળ કારકિર્દીના સપના તો દરેક યુવાનો જુએ જ છે, પરંતુ સપનું સાકાર કરવા માટે સમયસર જાગી જવું પડે ! ઉંઘમાં આવે એ સપનું નથી. ખરૂં સપનું એ છે કે જે ઉંઘવા ન દે !! ”ને સાર્થક કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર લાખો યુવાઓને પ્રેરણા પૂરી પાડી છે.

પરીક્ષા પાસ કરવા અંગે શ્રી ભેડાએ કહ્યું હતું કે, “આ પરીક્ષા માટે મહત્ત્વનાં પાસાંઓ અને વિશ્લેષણાત્મક બાબતો પર ભાર મુકવા ઉપરાંત ટાઇમ મેનેજમેન્ટ ખુબ જ મહત્વ ધરાવે છે. આયોજનપૂર્વકની તૈયારી કરી હોવાથી પ્રથમ પ્રયત્ને પ્રિલિમિનરી પાસ કરી દીધી હતી. હાલ આખરી પરીક્ષામાં બીજી વાર ઉત્તીર્ણ થવાની ખુશી છે. પહેલીવાર મોક ટેસ્ટ આપી ત્યારે ૩ કલાકને બદલે સાડા ચાર કલાકમાં પેપર માંડ પુરૂં થયું હતું. મિનિટોની ગણતરી કરીને ગુણના પ્રમાણમાં જ સમય આપવો જરૂરી છે. કોઇ એક સવાલનો જવાબ લંબાણથી આપવાને બદલે તમામ સવાલોના જવાબો આપીએ તો જ વધુ ગુણ મેળવી શકાય.

પ્રથમ વખતની તૈયારી વખતે તાજા પરણેલા હોવાથી તૈયારીની સાથે સામાજીક જવાબદારી પણ નિભાવવાની હતી. પણ જીવનસંગિની ગોપીબેન સહિત પરિવારનો સાથ અને મોટીવેશન મળતું રહેલું. પ્રથમ વાર પરિણામ આવ્યું ત્યાં સુધી સતત ચિંતા હતી પણ મન કહેતું હતું કે બધુ જ સારૂં થશે. આ વખતે તો આગળનો અનુભવ હોવાથી પૂરતો આત્મ વિશ્વાસ હતો કે પાસ થઇશ જ” તેમ તેમણે ઉમેર્યું હતું.

“સક્સેસ ફોર્મ્યુલા !” :

હકારાત્મક વિચારધારા ધરાવતાં દુષ્યંત ભેડા યુવાઓને સંદેશ આપતાં જણાવે છે કે, “સંઘર્ષ વિના કયારેય સફળતા મળતી નથી. અગનગોળાની ભઠ્ઠીમાં તપીને જ ઘરેણાં બને છે. આજના પડકારજનક સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવા મિત્રોએ નિરાશ થયા વગર આત્મવિશ્વાસથી સતત ઝઝુમવાનું ચાલુ જ રાખવું જોઇએ. એકવાર ધ્યેય નકકી કર્યા બાદ વચ્ચે કયાંય અટકવું ન જોઇએ. મહેનત કરનારને ફળ મળશે જ !

ગુજરાતી માધ્યમમાં જ શાળાકીય અભ્યાસ સાથે ધો.૧૨ સાયન્સમાં સમગ્ર રાજ્યમાં આઠમો ક્રમ,નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ અને CATની પરીક્ષા બાદ કેરળ ખાતે IIM કોઝિકોડ, માલાબારમાથી ડિગ્રી મેળવી ઉજજવળ કારકિર્દીમા મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓમાં ૬ વર્ષ સેવાઓ આપ્યા બાદ પણ શ્રી ભેડાનું સ્વપ્ન તેમને ઉંઘવા દેતું ન હોવાથી અઢળક પગારની નોકરી છોડવાનો નિર્ણય લઇ લીધો.

લાખો રૂપિયાના પગારની મલ્ટિનેશનલ કંપનીઓની નોકરી છોડીને સ્થિર થઈ રહેલી જિંદગીમાં લગ્ન થયાના બે મહિના બાદ જાન્યુઆરી ૨૦૨૨માં દુષ્યંતભાઇને યુ.પી.એસ.સી પરીક્ષા આપવાનો વિચાર આવ્યો. વિચાર અને સ્વપ્ન તો બધા જોતાં જ હોય પણ તેઓ મકકમ હોવાથી ૨૦૨૩ અને હાલની પરિક્ષામાં ઝળહળતી સફળતા મેળવી શક્યા છે. જેમાં તેમને મોટાભાઈ એવા IPS શ્રી વિવેક ભેડાનું માર્ગદર્શન સતત મળતું રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, તેઓ ઉપલેટાની પ્રાથમિક શાળાના શિક્ષિકા ઉષાબહેન તથા અંગ્રેજી સાહિત્યના અધ્યાપક પ્રો.પ્રવિણભાઇ ડી. ભેડાના સુપુત્ર છે. તેમના મોટાભાઈ શ્રી વિવેક ભેડા, (IPS) હાલ મહીસાગર જિલ્લામાં એ.એસ.પી. તરીકે ફરજ બજાવે છે. શ્રી દુષ્યંતભાઇએ અગાઉ ૨૦૨૩ માં પણ યુ.પી.એસ.સી. પાસ કરી હોવાથી હાલ તેઓ Indian Revenue Service (IRS)માં તાલીમમાં છે. તેઓ હાલ ઇન્કમટેક્સ વિભાગમાં ફરજ બજાવે છે. અગાઉ પણ તેઓએ જી.પી.એસ.સી. પાસ કરીને ગુજરાત સરકારના અધિકારી તરીકે ચાલુ નોકરીમાં કોઈ પણ રજા લીધા સિવાય પ્રથમ વારની યુ.પી.એસ.સી પરીક્ષા ઉચ્ચ ગુણાંકથી પાસ કરી હતી.

આટલી મોટી સિધ્ધિ બીજી વાર પ્રાપ્ત થાય એટલે મા-બાપની છાતી ગજ-ગજ ફૂલાય જ. બે સગા ભાઈઓએ ડાયરેકટ આ પરીક્ષા પાસ કરી હોય તે સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવરૂપ ઘટના છે. દુષ્યંતભાઈની સફળતાએ, જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે તેમ સંદેશ આપે છે.

Back to top button
error: Content is protected !!