Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કમળાપુરમાં તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ

તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
તળાવની જળસંગ્રહ ક્ષમતા વધવાથી આસપાસની ૫૦૦ વીઘા જમીનને ફાયદો થશે
Rajkot, Jasdan: રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠામંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે જસદણ તાલુકાના કમળાપુર ગામમાં તળાવને ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.
કમળાપુરમાં અમૃત સરોવરમાં સમાવિષ્ટ કાળવાનું તળાવ સિંચાઈ વિભાગ દ્વારા મિકેનિકલ મશીનરીથી ઊંડું કરવામાં આવશે. જેના કારણે તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે. આ સાથે આસપાસની આશરે ૫૦૦ વીઘા ખેતજમીનને ફાયદો થશે. ઉપરાંત, ભૂગર્ભ જળના તળ પણ સુધરશે. આ સાથે તળાવના પાળાનું મજબૂતીકરણ પણ કરવામાં આવશે.
આ તકે મંત્રી શ્રી કુંવરજીભાઈએ આસપાસના ગામ લોકો સાથે સંવાદ કરીને લોકોના પ્રશ્નો જાણ્યા હતા. સ્થાનિક લોકોની રજૂઆતને પગલે, મંત્રીશ્રીએ પોરાણીયા તળાવ પર નાળુ બનાવવા સંબંધિત અધિકારીને સ્થળ પર જ સૂચના આપી હતી. ઉપરાંત આસપાસના અન્ય ગામના તળાવોને ઊંડા કરવાની ખાતરી આપી હતી.
મંત્રીશ્રીએ ગામલોકોને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને જળ સમૃદ્ધ કરવા લેવાયેલા પગલાંઓની માહિતી પણ આપી હતી. તેમજ વિસ્તારમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની જાણકારી આપી હતી.
આ તકે જસદણ મામલતદાર શ્રી આઈ.જી. ઝાલા, વિંછીયા તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી અંકિત ગોહિલ, સિંચાઈ વિભાગના અન્ય અધિકારીઓ, આસપાસના ગામના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.





