GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: નમો ડ્રોન દીદી યોજનાથી નાનાવડાનાં સોનલબેન બન્યા લખપતિ દીદી

તા.૨/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન:- જીતેન્દ્ર નિમાવત

૧ વર્ષમાં ૩૦૦૦ એકરમાં દવાનો છંટકાવ કરી રૂ.૧૨ લાખની માતબર આવક મેળવતા સોનલબેન

ડિજિટલ ઇન્ડિયાના મંત્રને સાર્થક કરતાં ખેતીમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો

એક સમયે ખેતી માટે હાથમાં દાતરડું રહેતું પરંતુ હવે હાથમાં ડ્રોનનું રીમોટ છે

Rajkot: મહાત્મા ગાંધીજીએ દેશની સમસ્યાઓને આત્મસાત કરી તેને દૂર કરવાનો ઉપાય દેશની સામે રાખ્યો હતો. ત્યારે સ્વચ્છતા અભિયાન, દરેક ઘરમાં શૌચાલય, ખેડૂત કલ્યાણ, વીજળી, પીવાનું શુદ્ધ પાણી, ગ્રામ ઉત્થાન તેમજ પ્રત્યેક વ્યક્તિ આત્મનિર્ભર બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણકારી યોજનાઓ દ્વારા દેશની સમસ્યાઓ દૂર કરી છે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી આવી જ એક યોજના એટલે “નમો ડ્રોન દીદી યોજના.” જેના થકી રાજકોટના નાનાવડા ગામના સોનલબેન પાંભર આજે લખપતિ દીદી બન્યા છે.

વાત જાણે એમ છે કે, કોલેજ સુધીનો અભ્યાસ કરનાર ૩૩ વર્ષીય મહિલા ખેડૂત સોનલબેન પડધરી ખાતે સખીમંડળમાં જોડાયા. એક સારો વિચાર પોતાનું અને આસપાસના લોકોનું જીવન સરળ બનાવી શકે તે સોનલબેને સાબિત કરી બતાવ્યું છે.

સખીમંડળમાં “નમો ડ્રોન દીદી” યોજના વિશે જાણકારી મળતા સોનલબેનને ખેતીમાં આધુનિક પ્રયોગ કરવાની ઈચ્છા જાગી અને ૧૫ દિવસની તાલીમ મેળવવા ઘરનો ઉંબરો ઓળંગી પૂના પહોંચી ગયા.

ઘરનું રસોડું અને બાળકોને સંભાળતા, દાતરડાંથી ખેતરમાં નિંદામણ દૂર કરવા તથા પશુપાલન કરનારા સોનલબેનને પોતાના પતિ નિકુંજભાઈ તેમજ પરિવારનો સહયોગ મળતા ઇફ્કો દ્વારા યોજાતી ૧૫ દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે પૂના પહોંચી ત્યાં થિયરી અને પ્રેક્ટીકલ જ્ઞાન મેળવી રીમોટથી ડ્રોન ઉડાવતા શીખે છે.

આ અંગે સોનલબેન પાંભર સહર્ષ કહે છે કે, મારા ગામના અને આસપાસ ગામના ખેડૂતો હવે મને ડ્રોન દીદી તરીકે ઓળખે છે. સરકાર દ્વારા યોજાયેલ તાલીમ અને વિનામૂલ્યે અપાયેલ ડ્રોન તેમજ ઈ-થ્રીવિલરથી મારું અને મારા પરિવારનું જીવન ધોરણ બદલાયું છે. ખેડૂતો સામાન્ય રીતે પરંપરાગત ખેતી કરવા ટેવાયેલાં હોય છે, ત્યારે સરકાર દ્વારા વિવિધ સાધન સહાયની યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેતી અને ખેડૂત સધ્ધર થઈ શકે.

સોનલબેને કહ્યું કે, તાલીમ બાદ ડ્રોનથી દવાનો છંટકાવ કરવાનો પ્રથમ પ્રયોગ અમારા પોતાના ખેતરમાં જ કર્યો, આસપાસના ખેડૂતોએ આ પદ્ધતિ જોઈ અને તેઓ રાજી થયા, કેમકે દવાનાં છંટકાવ માટે આખો દિવસ લાગતો હોય ત્યાં ડ્રોન દ્વારા એક કલાકમાં દવાનો છંટકાવ થઈ જાય છે.

ડ્રોન પદ્ધતિથી દવાના છંટકાવમાં ખેડૂતોને ફાયદો જ ફાયદો છે.હવે ડ્રોનથી દવાના છંટકાવ માટે મજૂર શોધવા માટે બહાર જવું પડતું નથી. એક એકરમાં છંટકાવ માટે સાત મિનિટ જેટલો સમય લાગે. જેથી સમય, પાણી તેમજ દવાની બચત થાય છે.

પંપથી દવાનો છંટકાવ કરવામાં આવે તો દવા શ્વાસમાં પણ જાય છે, જયારે ડ્રોનથી દવાનો છંટકાવ પાંદડા પર જ જાય જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.

આ ઉપરાંત બાગાયતી પાક, કપાસ, તુવેર, એરંડા, મગફળી જેવા પાકો માટે ડ્રોનથી છંટકાવમાં ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે, મોટા ગીચ પાકમાં વચ્ચે જવું પડતું નથી જેથી પાકને નુકશાની ન થાય તેમજ સાપ જેવા જીવજંતુઓનો ડર રહેતો નથી.

સોનલબેને વધુમાં ઉમેર્યું હતું કે, હું દર મહિને ૮૦ હજારથી એક લાખ રૂપિયા કમાઈ લઉં છું. છેલ્લા એક વર્ષમાં મેં ૧૭૦૦ જેટલા ખેડૂતોના ખેતરમાં એટલે કે, ૩ હજાર એકરમાં દવાનો છંટકાવ કરી ૧૨ લાખની આવક મેળવી છે.

સોનલબેને કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે મારા જેવી અસંખ્ય બહેનો આજે લખપતિ દીદી બની છે.

આ ગામના જ ખેડૂત વિમલભાઈ “નમો ડ્રોન દીદી” યોજના વિશે કહે છે કે, હું વર્ષોથી ખેતી કરું છું અને નિયમિત ખેતરમાં પંપથી દવાનો છંટકાવ કરીએ છીએ. પરંતુ ભર બપોરે ટાઢા છાંયે બેસીને ખેતરમાં દવાનો છંટકાવ થતો જીવનમાં પ્રથમ વખત મેં જોયું છે. દવાના છંટકાવ માટે ખેડૂતોને સરકાર ૫૦૦ રૂપિયાની સહાય પણ આપે છે. આ ટેકનોલોજી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. કેમ કે, ચોમાસામાં જમીનમાં પાણી ભરાયા હોય જેથી ખેડૂતોએ દવાનો છંટકાવ કરવા માટે સંઘર્ષ કરવો પડે ઉપરાંત ઉનાળાની અસહ્ય ગરમીમાં પણ પંપથી છંટકાવ કરવો સરળ નથી હોતો પણ ડ્રોન દ્વારા દવાના છંટકાવ જોઈને મને ખેતી હવે સરળ લાગે છે.

સરકારની ડ્રોન દીદી યોજનાથી આજે સોનલબેનની જેમ રાજ્યની અનેક મહિલાઓ લાખોમાં કમાણી કરતી થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હવે મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!