યુવાઓ માટે માર્ગદર્શક ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક–2025’નું પ્રકાશન: ધો.10 અને 12 પછીના અભ્યાસ અને રોજગાર માટે માવજતરૂપ માહિતી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: યુવાઓને શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક–2025’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ વિશેષાંક પ્રતિવર્ષની પરંપરાના અનુસંધાનમાં તૈયાર કરવામાં આવ્યો છે અને તેને પ્રાદેશિક માહિતી કચેરી, પોલીટેકનિક કેમ્પસ, અમદાવાદ ખાતેથી રૂ.20ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે ખરીદી શકાય છે.
વિશેષાંકમાં ધોરણ 10 અને ધોરણ 12 પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, રોજગારી અને સ્વરોજગારીના વિકલ્પો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના અભ્યાસક્રમો, મીડિયા અને ન્યૂ મીડિયામાં કારકિર્દી, બેન્કિંગ ક્ષેત્ર અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે. સાથે સાથે યુવાનોને પ્રેરણા મળે તેવા પ્રેરણાદાયી લેખો પણ સામેલ કરાયા છે.
માહિતી ખાતા દ્વારા દરેક પંદર દિવસે ‘ગુજરાત પાક્ષિક’ અને દર અઠવાડિયે ‘રોજગાર સમાચાર’નું પણ નિયમિત રીતે પ્રકાશન કરવામાં આવે છે. આ પ્રકાશનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતીઓ ઉપરાંત સરકારી યોજનાઓની માહિતી પણ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓ કે નાગરિકો ઘેર બેઠાં આ પ્રકાશનો મેળવવા ઇચ્છતા હોય તો તેઓ ગુજરાત પાક્ષિક માટે વાર્ષિક લવાજમ રૂ.50 અને રોજગાર સમાચાર માટે રૂ.30 ભરાવીને ઘર પહોંચ સેવા મેળવી શકે છે. કચેરી ખાતે ઉપલબ્ધ અંકો વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પણ આપવામાં આવે છે.
યુવાનોના ઉત્તમ ભવિષ્ય અને માહિતીપ્રદ માર્ગદર્શન માટે સરકારી માહિતી વિભાગ દ્વારા લેવામાં આવતું આ પહેલ દર વર્ષે ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થાય છે.




