GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટનો ‘સરસ’ મેળો હવે ૧૫ મી મે સુધી માણી શકાશે

તા.૫/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

હસ્તકલાના માધ્યમથી ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવતો ‘મિશન મંગલમ’

આયોજિત ’સરસ મેળો – ૨ : રાજ્યના અન્ય ૫૦ સખી મંડળોની બહેનોને હસ્તકલાની વસ્તુઓના વેચાણનો મોકો

૧૦ દિવસમાં રૂ. ૫૯.૫૦ લાખની ખરીદી કરી ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહન આપતા શહેરીજનો

Rajkot: રાજકોટ ખાતે ગત તા. ૨૫ એપ્રિલ થી ૪ મે સુધી આયોજિત ’’સરસ મેળા’’ની મુદત દસ દિવસની વધારવામાં આવી છે, આથી આ મેળો હવે ૧૫ મી મે સુધી રેસકોર્સ ખાતે માણી શકાશે.

આ ‘સરસ’ મેળામાં રાજયભરના ૫૦ જેટલા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ મેળાને બહોળો જન પ્રતિસાદ મળતાં આ મેળાને ૧૫ મે સુધી લંબાવવાનું આયોજન કરાયું હોવાનું આજીવિકા મિશન મંગલમના અધિકારીશ્રી વી. બી. બસીયાએ જણાવ્યું છે.

સરસ મેળામાં ૫૦ ક્રાફટ સ્ટોલ અને ૧૧ લાઈવ ફૂડ સ્ટોલ મળીને કુલ ૬૧ સ્ટોલ ઉભા કરાયા છે. આ મેળામાં ગત ૧૦ દિવસ દરમ્યાન લોકોએ બહોળી સંખ્યામાં મુલાકાત લઈ ગ્રામીણ હસ્તકલાને વખાણી કુલ રૂ. ૫૯.૫૦ લાખની ખરીદી કરી ગ્રામીણ મહિલાઓને પ્રોત્સાહિત કરેલ છે. આવી જ રીતે સરસ મેળામાં આગામી ૧૦ દિવસોમાં અન્ય ૫૦ જેટલા સખી મંડળની બહેનોને તેઓની હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવાનો લાભ મળશે.

આજીવિકા મિશન મંગલમ

ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા કુટુંબોના જીવનધોરણમાં સુધારો લાવવા અને ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ માટે વર્ષ ૨૦૧૦માં મિશન મંગલમ્ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (જી.એલ.પી.સી.)ની રચના કરી હતી. મિશન મંગલમ દ્વારા ગ્રામીણ મહિલાઓને તેમની હસ્તકળા દ્વારા સ્વાવલંબી બનાાાવી પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી બનાવવાના હેતુ અર્થે બહેનો માટે સખી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલ હાથશાળની વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, મહિલાઓ પગભર થાય તે માટે સખી મંડળની મહિલાઓને તાલીમ પણ આપવામાં આવે છે. મહિલાઓ ઉત્પાદન કરી શકે, તે માટે તેઓને લોન ઉપરાંત રીવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવે છે.

જીલ્લામાં પાંચ હજારથી વધુ સખી મંડળો મારફતે મહિલાઓને મળે છે રોજગારી

રાજકોટ જિલ્લામાં કુલ ૫,૨૩૮ એક્ટિવ સખીમંડળો કાર્યરત છે. તાલુકા પ્રમાણે જોઇએ તો ધોરાજીમાં ૩૨૮, ગોંડલમાં ૭૫૭, જામકંડોરણામાં ૩૨૦, જસદણમાં ૭૮૪, જેતપુરમાં ૪૨૮, કોટડા સાંગાણીમાં ૪૨૭, લોધિકામાં ૩૯૭, પડધરીમાં ૪૨૬, રાજકોટમાં ૫૮૩, ઉપલેટામાં ૩૩૩ અને વિંછીયા તાલુકામાં ૪૫૫ સખી મંડળો કાર્યરત છે. મંડળની મહિલાઓ દ્વારા ઉન વર્ક, ઇમિટેશન વર્ક, પશુપાલન, અગરબત્તી, આયુર્વેદિક વસ્તુઓ, ઑક્સીડાઇઝડ જવેલરી બોક્સ, લાકડાના રમકડા સહિતની વસ્તુઓનું નિર્માણ કરવામાં આવે છે. આ સખીમંડળોમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મહિલા સ્વાવલંબન’નું સ્વપ્ન ચરિતાર્થ થતું જોવા મળે છે.

Back to top button
error: Content is protected !!