DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ગઢ ગામના ખેડૂત શાંતિલાલ વસાવા ને જોય ને ૧૨ જેટલા બીજા લોકો ખેતી તરફ વળ્યા

ડેડીયાપાડા ગઢ ગામના ખેડૂત શાંતિલાલ વસાવા ને જોય ને ૧૨ જેટલા બીજા લોકો ખેતી તરફ વળ્યા

તાહિર મેમણ- ડેડીયાપાડા 06/05/2025 – ડેડીયાપાડા અંતરિયાળ વિસ્તાર સુધી પ્રાકૃતિક ખેતી પહોંચી છે. તેમજ લોકો ફરી મૂળ બાપ-દાદાની ખેતી તરફ વળતા દેખાઇ રહ્યા છે. આનું ઉત્તમ ઉદાહરણ ડેડિયાપાડા તાલુકાના ગઢ ગામના ખેડૂત શાંતિલાલ વસાવા છે, તેમણે પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો વિશે જણાવ્યું હતું કે, આત્મા પ્રોજેક્ટમાં જોડાયા ત્યારથી ગાય આધારિત ખેતી, દ્રાવણનો ઉપયોગ કરી ખેતી કરું છું. મને આત્મા પ્રોજેક્ટ દ્વારા પાવર વિડર, બાગાયતી કલમ ખરીદવા માટે રૂા. ૧૩,૦૦૦ ની સબસીડી પેટે સહાય મળી છે તેમજ મારા ખેતરે દેશી ગાયનાં છાણમાંથી જીવામૃત, ઘનામૃત જેવા દ્રાવણનો ઉપયોગ કરું છું. જેની તાલીમ મને આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, આત્મા પ્રોજેક્ટમાં તાલીમની સાથે મને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનાં હરિયાણા ખાતેના ફાર્મહાઉસ તેમજ તેમના ઘરે જવાનો અવસર પણ મળ્યો છે અને તેમની ગાયો અને ખેતીનું માર્ગદર્શન પણ મળ્યું હતું. સાથેસાથે તેમની ખેતીનું અમે જાત નિરીક્ષણ કરીને પ્રાકૃતિક ખેતીના લાભાલાભ જોયા હતા. હું આજે મારી ખેતીમાં રોજિંદા પાક તેમજ મિશ્ર ખેતી કરૂ છું અને પોતાના ખોરાક માટે ખાટી-ભીંડી, ભીંડા, તાદળજાની ભાજી, ડુંગળી, કાકડી, તલ આ વર્ષે વાવેતર કરેલ છે.

આત્મા પ્રોજેક્ટનાં સહયોગથી મારી કઠણ અને બિન ઉપજાવ થતી જમીન બચાવી લીધી છે અને ફળદ્રુપતામાં વધારો કર્યો છે અને હું ૬ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું તેમજ મારાં ગામના ૧૨ જેટલા બીજા લોકોને મે આ ખેતી તરફ વાળ્યા છે અને હું તેમને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપું છું.

દરેક ખેડૂત પોતે જીવામૃત, ઘનામૃત, અળસીયા બેડ, વર્મીકંપોસ્ટ બનાવતા થશે તો ખેડૂતની આર્થિક સ્થિતિ સારી બની જશે અને ખેડૂત ખુશખુશાલ બની જશે, કૃષિ સેમિનાર મેળાઓમાં જઈ ખેતી અંગે માહિતી મેળવી બીજાને પણ પ્રેરણા આપી પ્રાકૃતિક ખેતી કરવા હું સૌને મદદ અને માર્ગદર્શન વિનામૂલ્યે આપુ છું અને વૈજ્ઞાનિકો પાસેથી સલાહ-માર્ગદર્શન તેમજ કૃષિ હેલ્પલાઇન અને સોશિયલ મીડિયામાં યુટ્યુબ દ્વારા પણ પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી મેળવી સતત માહિતગાર રહું છું અને અન્ય ખેડૂતોને પણ સલાહ સાથે પ્રોત્સાહન આપુ છું. તેમ તેમણે ઉમેર્યું હતું.

Back to top button
error: Content is protected !!