BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

કેસરોલ ગામે ટોલપ્લાઝા તૂટી પડ્યું:ભરૂચમાં વાવાઝોડા સાથે વરસાદ, જંબુસરમાં કરા‎, તાપમાનનો પારો 42 ડિગ્રીથી ગગડી 28 ડિગ્રી થયો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેર તથા જિલ્લામાં સોમવારે આખો દિવસ ઉકળાટ રહયાં બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચ શહેરમાં 25થી કીમીથી વધુની ઝડપે પવનો ફૂંકાતા વૃક્ષો, હોર્ડિંગ્સ અને લોખંડના સ્ટ્રકચર પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગ્યાં હતાં. શ્રવણ ચોકડી વિસ્તારમાં નવી બની રહેલી ઇમારત પરથી પથ્થરો નીચે પડયાં હતાં. સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. આર.કે. કાસ્ટા શોપિંગમાં લોખંડની મોટી છત ધરાશાયી થઇ હતી.
જંબુસર તાલુકાના પાંચપીપળા ગામે વાતાવરણ ઠંડુગાર બની જવાથી વરસાદની સાથે કરા પડયાં હતાં. જંબુસરથી પાંચકડા ગામ તરફ જતાં માર્ગ પર તેમજ અંકલેશ્વરમાં વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ થઈ ગયો હતો. આમોદ તાલુકાના પૂરસા ગામે ઘરની દિવાલ પડી ગઈ હતી. પતરા ભારે પવનમાં ઉડીને નીચે પડી ગયા હતા. ઝઘડિયા તાલુકામાં પણ વરસાદ પડતાં વીજળી ડૂલ થઈ હતી. ભરૂચ શહેરમાંવાવાઝોડાના કારણે સ્ટેશનનું ઐતિહાસિક ટાવર ક્ષતિગ્રસ્ત થયું હતું. આખો દિવસ ઉકળાટમાં રહેલા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.
શહેરમાં વરસાદી માહોલ થતાંની સાથે વીજળી ડૂલ થઈ ગઈ હતી. વાવાઝોડા સાથે આવેલા વરસાદ ના કારણે અંકલેશ્વર સહિત અન્ય તાલુકામાં પણ જનજીવન પ્રભાવિત થયું હતું. આમ હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. પવનની ગતિ 20 થી 25 કિમી પ્રતિ કલાકની રહેશે. નેશનલ હાઇવે પર આવેલા કેસરોલ ટોલ પ્લાઝા નું સ્ટ્રક્ચર પણ વાવાઝોડા સાથે આવેલા વરસાદ ના કારણે તૂટી પડ્યું હતું. વાવાઝોડા અને વરસાદના કારણે તાપમાનનો પારો 42 ડિગ્રીથી ગગડીને 28 ડિગ્રી થયો હતો.
ભરૂચ અંકલેશ્વર , અંકલેશ્વર વાલિયા અને અંકલેશ્વર હાંસોટ માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. 50 થી 60 કિમી પવન સાથે ધૂળની દમની ઉડ્યા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. અંકલેશ્વર તાલુકાના મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન ની સાથે વરસાદ વરસતા જનજીવન ખોરવાયું હતું ભારે પવન ફૂંકાતા ધૂળ ની ડમણી ઉડતા નાસભાગ મચી જવા પામી હતી ભારે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો વાતાવરણમાં અચાનક પલટો આવતા મીની વાવાઝોડા સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સોમવારની મોડી સાંજે વાવાઝોડા અને વરસાદના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી હતી.

Back to top button
error: Content is protected !!