કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ ઓપરેશન અભ્યાસ ( મોકડ્રીલ ) યોજાશે


સમીર પટેલ, ભરૂચ
**
**
*જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*
***
ભરૂચ – મંગળવાર – કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે, તા. ૦૭ મી મે ૨૦૨૫ના રોજ સાંજે ૪ : ૦૦ કલાકથી ૮ : 00 સુધી (ઓપરેશન અભ્યાસ) મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના ૧૮ જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે જીએનએફસી ભરૂચ,ઓએનજીસી અંકલેશ્વર અને બિરલા કોપર ટાઉનશીપ દહેજ ખાતે મોકડ્રીલ યોજાનાર છે.
ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા હેતુ વર્ચ્યુલ બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs ) એ દેશના તમામ રાજ્યોને નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યો છે તે મુજબ કામગીરી કરવા કલેક્ટરશ્રીઓને મુખ્યમંત્રીશ્રીએ સૂચનો કર્યો હતા.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી વર્ચ્યુલ બેઠક બાદ મોકડ્રીલ સંદર્ભે કલેક્ટર કચેરીના વીસી રૂમ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ હતી. જ્યાં મોકડ્રીલના અનુસંધાને કરવાની થતી કામગીરી પર કલેકટરશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે મોકડ્રીલનો હેતુ તમામ સુધી પહોંચે તે માટે જીલ્લા શહેર સહિત ગ્રામ્ય લેવલે મોકડ્રીલ સંદર્ભે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે સરપંચ અને તલાટી સુધી મેસેજ પહોંચે તેવુ માઇક્રોપ્લાનિંગ કરવા સુચના આપી અધિકારીશ્રીઓને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથોસાથ મોકડ્રીલ સંદર્ભે વધુમાં વધુ લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારીશ્રીઓને સોંપેલી જવાબદારી સુપેરે પાર પાડવા અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો.
આ તકે, કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં કહ્યુ હતું કે, સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ રહી છે ત્યારે સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું જોઈએ. લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે સાયરન વગાડવામાં આવનાર છે. તેમણે અફવાઓથી દૂર રહેવા જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ મોકડ્રીલ દરમ્યાન શું કરવું ? અને શું ન કરવું ? એ બાબતની લોકોને ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવનાર છે. જ્યાં ૪:00 વાગ્યેથી ટૂકડે ટૂકડે ૨ મિનિટ સુધી લોકોને સાવચેત કરવા સાયરન વાગશે. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતા લોકોને જાણ સારું ૨ મિનિટ સુધી સળંગ સાયરન વાગશે. સાંજે ૭: ૩૦ થી ૮ : ૦૦ વાગ્યા સુધી ક્રેશ બ્લેકઆઉટ (અંધારપટ) ની વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં હવાઈ હુમલો ટાળવા માટે સંપૂર્ણ બ્લેકઆઉટ એટલે કે સમગ્ર જિલ્લાની તમામ લાઈટ્સ બંધ કરવા નાગરિકોને જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે, આ મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદરૂપ થઈ શકે તે સુનિશ્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરૂરિયાત નથી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપશે, નિવાસી અધિક કલેક્ટર શ્રી એન.આર.ધાંધલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાયરન શું છે?
આ એક સ્પેશિયલ એલાર્મ સિસ્ટમ છે, જેનો ઉપયોગ જોખમની સ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે થાય છે. તેનો અવાજ ખૂબ જ મોટો છે, જે દૂર દૂર સુધી સ્પષ્ટ સંભળાય છે.સાયરનનો અવાજ ઉપર-નીચે થતો રહે છે, જેના કારણે તે સામાન્ય વાહનના ડોર્ન અથવા એમ્બ્યુલન્સના અવાજથી અલગ લાગે છે.તે યુદ્ધ, હવાઈ ડુમલો અથવા કોઈપણ મોટી દુર્ઘટના દરમિયાન લોકોને ચેતવણી આપવા માટે વગાડવામાં આવે છે.
સાયરન વાગે ત્યારે શું કરવું અને શું ન કરવું….
સાયરન વાગે ત્યારે લેવાના પગલાં
5- 10 મિનિટમાં સુરક્ષિત સ્થાન પર જાઓ
ટીવી, રેડિયો અને સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો
અફવાઓ ટાળો: ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો
વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો,શાંત રહો, ગભરાશો નહીં
આ મૉકડ્રિલમાં નીચે પ્રમાણે પ્રવૃત્તિઓની પ્રેક્ટિસ કરાવવામાં આવશે.
હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનને સક્રિય કરવામાં આવશે.
ક્રેશ બ્લેકઆઉટ (અંધારપટ)ની વ્યવસ્થા કરાશે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે એક સાથે વીજળી બંધ કરી શકાય જેથી દુશ્મન લક્ષ્ય ન જોઈ શકે
સ્થળાંતરની યોજનાને અપડેટ કરવામાં આવશે તેમજ તેનું રીહર્સલ પણ કરાશે.
મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે જવા માટે તૈયાર કરવાનો છે.



