Jetpur: જેતપુરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ શિબિરમાં યોગાભ્યાસ કરતા ૧૫૦થી વધુ સાધકો

તા.૧૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તથા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન નિમિત્તે કરાયેલું આયોજન
Rajkot, Jetpur: સમગ્ર વિશ્વમાં તા૨૧ જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવાય છે. જેની ગુજરાત રાજ્યકક્ષાની ઉજવણી વડનગર ખાતે થનારી છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના કાઉન્ટ ડાઉનના ભાગરૂપે તથા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં યોગ શિબિરનું આયોજન કરાયું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તા. ૧૨ મેના રોજ યોગ શિબિર યોજાઈ હતી. જેનો હેતુ લોકોને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ બનાવવાની સાથેસાથે યોગ અંગે જાગૃતિ લાવવાનો હતો.
આ કાર્યક્રમનો આરંભ દીપપ્રાગટ્યથી કરાયો હતો. મંચસ્થ મહાનુભાવોનું ખેસ અને પુસ્તકથી અભિવાદન કરાયું હતું. સ્ટેટ યોગ કો–ઓર્ડીનેટરશ્રી અનિલભાઈ ત્રિવેદીએ યોગ દિવસ, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન અને યોગ શિબિરની રૂપરેખા આપી હતી. જેતપુર નગરપાલિકા પ્રમુખશ્રી મેનાબેન ઉસદડિયાએ રોગમુક્ત રહેવા માટે યોગનો અભ્યાસ નિયમિત કરવાનું જણાવ્યું હતું. તેમજ જેતપુર તાલુકા મામલતદારશ્રી એમ. બી. પટોડીયાએ ઉપસ્થિતોને યોગથી તંદુરસ્તી મેળવવાની શુભકામના પાઠવી હતી.
આ તકે સ્ટેટ યોગ કો–ઓર્ડીનેટરશ્રી અને ટ્રેનર્સએ સાધકોને આયુષ મંત્રાલયના પ્રાર્થનાથી શરૂ કરીને સંકલ્પ સુધીના પ્રોટોકોલ મુજબ ધ્યાન, પ્રાણાયામ અને વૃક્ષાસન, તાડાસન, ભદ્રાસન, વજ્રાસન સહિત યોગાસનો કરાવ્યા હતાં. સાથસાથે નિરામય જીવન જીવવા અને ખાસ કરીને સ્થૂળતા ઓછી કરવા યોગાભ્યાસનું મહત્વ સમજાવ્યું હતું. ઉપસ્થિતોએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ તકે આશરે ૧૫૦થી વધુ સાધકોએ યોગ શિબિરનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી.શ્રી રોહિતભાઈ ડોડીયા, ઝોન કો–ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી, જિલ્લા કો–ઓર્ડીનેટરશ્રી હિતેશભાઈ કાચા સહિત યોગ પ્રેમીઓ, યોગ ટ્રેનર્સ, યોગ કોચ ઉપસ્થિત રહ્યાં હતાં.







