
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકનાં પી.આઈ.એમ.જી.ઢોડીયાનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનની પી.સી.આર.વાનનાં કર્મીઓએ ફરજ દરમિયાન એક માનવીય અભિગમ દાખવીને બિહારથી ગુમ થયેલ એક વ્યક્તિને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવવાની દિશામાં સરાહનીય કામગીરી કરી છે.ગત તા. ૧૨/૦૫/૨૦૨૫નાં રોજ રાત્રે આશરે ૯:૦૦ વાગ્યે આહવા પોલીસ સ્ટેશનની પી.સી.આર.વાન પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન ૧૦૦ નંબરની વર્ધી મળતા પી.સી.આર.નાં પો.કો. વલ્લભભાઈ જેરામભાઈ બંનં.૨૧૪ તાત્કાલિક કોટબા ગામે પહોંચ્યા હતા.ગામમાં પહોંચીને પી.સી.આર. ટીમે ગામના આગેવાનો સાથે વાતચીત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે એક અજાણ્યો ઇસમ છેલ્લા બે થી ત્રણ દિવસથી ગામમાં ફરી રહ્યો છે. તે ક્યાંથી આવ્યો છે તેની કોઈ માહિતી તેમને નથી.આથી પી.સી.આર.વાનનાં ઇન્ચાર્જે માનવીય અભિગમ દાખવીને અજાણ્યા ઇસમને સરકારી ગાડીમાં બેસાડી આહવા પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા.પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા બાદ અજાણ્યા ઇસમની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમણે પોતાનું નામ અજીતભાઇ દયારામભાઇ યાદવ (રહે. શેરગડ, તા.જી. ખગડીયા, પોલીસ સ્ટેશન ગોગડી જમાલપુર, બિહાર) હોવાનું જણાવ્યું હતુ.વધુ તપાસ માટે પોલીસે તેમના વતનમાં તેમના ભાઈ સુજિતભાઇ દયારામભાઇ યાદવનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો.સુજિતભાઇએ ફોન પર જણાવ્યું હતું કે તેમના ભાઈ અજીતભાઇ છેલ્લા આઠ મહિનાથી ગુમ છે અને આ અંગે ગોગડી જમાલપુર પોલીસ સ્ટેશન, બિહાર ખાતે ગુમ થવાની નોંધ પણ કરાવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે અજીતભાઈને લેવા માટે તેમને બે થી ત્રણ દિવસનો સમય લાગશે.પોલીસે અજીતભાઈના પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના ભાઈ તેમને લેવા માટે ન આવે ત્યાં સુધી તેમને માનવ સેવા ટ્રસ્ટ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી છે.હાલમાં આહવા પોલીસ મથકનાં પી.આઈ. એમ.જી.ઢોડીયાનાં સંવેદનશીલ કાર્યવાહીથી ગુમ થયેલ વ્યક્તિને આશ્રય મળ્યો છે અને તેના પરિવાર સાથે પુનઃમિલનની આશા જાગી છે.આહવા પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી..




