રોડ નિર્માણમાં ગુણવત્તા મુદ્દે વિવાદ:ઝઘડીયા-નેત્રંગ માર્ગની કામગીરીમાં ખામીઓ મળતાં સાંસદે કોન્ટ્રાક્ટરને ફટકાર લગાવી

સમીર પટેલ, ભરૂચ
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં વલીગામથી કોલીયાપાડા અને વણખુટાપાડા સુધીના નવા રોડના નિર્માણમાં ગંભીર ક્ષતિઓ સામે આવી છે. ભરુચના સાંસદ મનસુખ વસાવાએ આ માર્ગનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
સાંસદે માર્ગના પ્રથમ લેયરમાં હલકી ગુણવત્તાનું કામ જોયું હતું. મેટલિંગનો યોગ્ય ઉપયોગ થયો ન હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રોડના પાયાનું કામ નબળું હોવાથી માર્ગ લાંબો સમય ટકશે નહીં.
સાંસદે કોન્ટ્રાક્ટર અને ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર બોલાવ્યા હતા. તેમને માર્ગની ગુણવત્તા સુધારવા માટે સૂચનો આપ્યા હતા. ઈજનેરે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ખાતરી આપી હતી કે માર્ગના કામમાં જે પણ ખામીઓ છે તે દૂર કરવામાં આવશે.
આ માર્ગ ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને જોડે છે. તેથી તેની ગુણવત્તા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. સાંસદના આકસ્મિક નિરીક્ષણથી કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.



