અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે શહેરમાં ‘નો ડ્રોન ઝોન’ જાહેર: ૧૬ થી ૧૮ મે સુધી ડ્રોન ઉડાડવાની મનાઈ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 16 થી 18 મે 2025 દરમિયાન અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. સુરક્ષા દૃષ્ટિએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી છે.
આ સંદર્ભે પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 16 મેના સાંજના 4 વાગ્યાથી 18 મેના બપોરના 3 વાગ્યા સુધી સમગ્ર અમદાવાદ શહેરમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ, આતંકવાદી તત્ત્વો કે દેશવિરોધી સંગઠનો રિમોટ સંચાલિત વિમાનો, નાનાં એરક્રાફ્ટ કે એરોસ્ટેટ ઉપકરણોનો દુરૂપયોગ કરી શકે છે – જેથી મહાનુભાવો તેમજ સામાન્ય જનતાની સુરક્ષા માટે આ પ્રતિબંધ ફરજિયાત છે.
આ સમયગાળામાં ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલૂન તથા જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 223 મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરનામામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, સંયુક્ત પોલીસ કમિશનરથી લઈને પોલીસ સબ ઇન્સ્પેક્ટર હદ સુધીના અધિકારીઓને આ નિયમના ભંગ સામે કાર્યવાહી કરવાની સત્તા અપાયેલી છે.
શહેરના તમામ નાગરિકોને શાંતિ અને સુરક્ષા જાળવવા માટે આ જાહેરનામાનું પાલન કરવાની અનુરોધ કરવામાં આવ્યો છે.