Rajkot: શું તમારી પાસે ડ્રગ્સ સંબંધી કોઈ ટિપ છે ? તો ૧૯૩૩ હેલ્પલાઇન પર જાણ કરો.. પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૧૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ડ્રગ્સ વેચાણકર્તા, ઉત્પાદકની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રહેશે – પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝાના
Rajkot: ખાસ કરીને યુવાઓને ટાર્ગેટ કરતા ડ્રગ્સનાં દુષણ સામે રાજકોટ શહેર પોલીસ ડ્રગ્સ વેચાણકર્તા, ઉત્પાદક કે વાવેતર કરતા લોકો સામે સતર્કતાથી કામગીરી કરી રહી છે, જેની સમીક્ષાર્થે પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી.
આ તકે પોલીસ કમિશ્નરશ્રીએ શાળા, કોલેજના છાત્રો ચરસ, ગાંજો કે સિન્થેટિક ડ્રગ્સના દુષણનો શિકાર ન બને તે માટે પોલીસ વિભાગના એસ.ઓ.જી. સહીત વિવિધ વિભાગના અધિકારીઓને ખાસ તકેદારી રાખવા તેમજ ડ્રગ્સ વેચાણકર્તા પર વોચ રાખી તેમના નેટવર્કને તોડી પાડવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વધુમાં ડ્રગ્સ વેચાણકર્તાની લોકો દ્વારા જાણકારી મળે તો વધુ સહેલાઈથી તેઓના નેટવર્ક સુધી પહોંચી શકાય, તેમ જણાવી શ્રી બ્રજેશકુમારે જાણકારી આપનારની વિગતો ગુપ્ત રહેશે તેમ આશ્વસ્ત કરી લોકોને નિર્ભીકપણે ૧૯૩૩ હેલ્પલાઇન નંબર કે કેન્દ્ર સરકાર દ્વારા જારી ‘માનસ’ પોર્ટલ https://www.ncbmanas.gov.in/ પર જાણકારી આપવા અપીલ કરી છે.
રાજકોટ શહેરમાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાએ કોલેજ, યુનિવર્સીટીમાં માર્ગદર્શક કાર્યક્રમો યોજવા, જનજાગૃતિ અભ્યાન અસરકારક રીતે આગળ વધારવા ખાસ સૂચન કર્યું હતું.
પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન કામગીરી અંગે ડી.સી.પી. શ્રી પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી પુરી પાડી હતી. બેઠકમાં વિવિધ વિભાગ તેમજ કોલેજ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમોની વિગતો રજુ કરવામાં આવી હતી. એન્કોર્ડ બેઠકમાં સ્ટેટ નાર્કોટિક્સ સેલના અધિકરી શ્રી અતુલ યાદવ ઓનલાઇન જોડાઈ વિભાગની કામગીરી અંગે માહિતગાર થયા હતાં.
બેઠકમાં ડી.સી.પી. ઝોન – ૨ શ્રી જગદીશ બંગરવા, એ.સી.પી. શ્રી ભરત બસિયા, એસ.ઓ.જી સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.






