*ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાનની શરૂઆત

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
ભારત સરકાર દેશના આદિવાસી સમુદાયના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન (PM Janjati Unnat Gram Abhiyan) શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના વિવિધ રાજ્યોમાં વસતા આદિવાસી લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો અને તેમને વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવાનો છે.
આ અભિયાનનો ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના ૨૧ જિલ્લાઓના ૧૦૨ તાલુકાઓના ૪૨૬૫ ગામોમાં વસતા ૬૬,૦૫,૯૧૨ આદિવાસી લોકોને લાભ આપવાનો છે. રાજ્ય સરકારના ૧૩ વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને આ અભિયાન ચલાવવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત, અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિજાતિ સમુદાયોની માળખાગત સુવિધાઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આજીવિકા જેવી જરૂરિયાતોને પહોંચી વળવાનો પ્રયાસ કરવામાં આવશે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં ગેપ એનાલીસીસ કરી કુલ ૧૬૩ આદિજાતિ વિસ્તારના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ અભિયાન હેઠળ પાકા રસ્તાઓ, વીજળી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, મોબાઇલ કનેકટીવીટી, આંગણવાડીઓ, પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્યલક્ષી સુવિધાઓ જેવી માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.
“ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” એ સહકારી સંઘવાદનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે સરકારના સંકલિત અભિગમ દ્વારા લોકોની જરૂરિયાતોને પહોંચી વળવાનો પ્રયાસ કરે છે.





