શહેર પોલીસ દ્વારા બાળકો માટે સમર કેમ્પ: સુરક્ષા અને સંસ્કારના સંયોજન તરફ મજબૂત પગલાં

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે ચાંદખેડા, રાણીપ, ગાયકવાડ હવેલી અને એલિસબ્રિજ પોલીસ લાઈન ખાતે આયોજિત સમર કેમ્પની મુલાકાત લીધી. તેમણે કેમ્પમાં ભાગ લેનારા બાળકોની વિવિધ શૈક્ષણિક અને રમતગમત પ્રવૃત્તિઓ નિહાળી અને તેમની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની પ્રશંસા કરી.
શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષથી ઉનાળાની વેકેશન દરમ્યાન પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવે છે. આ પહેલનું મુખ્ય હેતુ બાળકોના શૈક્ષણિક, શારીરિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસને મજબૂત બનાવવાનો છે.
ચાલુ વર્ષમાં શહેરના 14 અલગ-અલગ પોલીસ લાઈનમાં મોર્નિંગ સત્રોમાં આવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેવજીપુરા, માધવપુરા, અમરાઈવાડી, દાણીલીમડા, ગોમતીપુર, મણિનગર, વટવા, ઓઢવ, નરોડા, બાપુનગર, ઈસનપુર સહિત તમામ મહત્વપૂર્ણ પોલીસ લાઈનો અને મુખ્ય મથકનો સમાવેશ થાય છે.
આ કેમ્પમાં બાળકો માટે સેલ્ફ ડિફેન્સ, માર્શલ આર્ટ્સ, જીમ્નાસ્ટિક્સ, યોગા, ડ્રોઈંગ, ડાન્સ, સંગીત, પેઈન્ટિંગ, ચેસ, પેપર ક્રાફ્ટ, કીચેઈન મેકિંગ, કોમ્પ્યુટર જ્ઞાન, વિજ્ઞાન પ્રયોગો, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને અન્ય અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વોકેશનલ ટ્રીનિંગ સ્વરૂપે આયોજિત આ સમર કેમ્પ પોલીસ વેલ્ફેર ફંડના સહયોગથી ચલાવવામાં આવે છે. બાળકોમાં વિવેચનાત્મક અને તાર્કિક ક્ષમતા વિકસાવવા, નવા મિત્રો બનાવવા, જીવન કૌશલ્યો શીખવા અને શારીરિક કસોટીને પ્રોત્સાહન આપવા માટે આ કેમ્પ એક અનોખું મંચ પૂરું પાડી રહ્યો છે.
આ ઉદ્દમ શહેર પોલીસના વેલ્ફેર માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને પોલીસ પરિવારના બાળકો માટે સુખદ અને સંવેદનશીલ ઉનાળાની અનુભૂતિ આપવાનું સાધન બની રહ્યો છે.





