વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ફરી શરૂ:અંકલેશ્વરના દીવા ગામ પાસે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી આગળ વધી


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર તાલુકાના જુના દીવાથી પુનગામ વચ્ચે એક્સપ્રેસ વેની કામગીરી આજે પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી છે. ખેડૂતોના વળતરના વિવાદને કારણે આ કામગીરી અટકી પડી હતી.
કામગીરીના સ્થળે પોલીસ, આરોગ્ય વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટુકડી હાજર હતી. દીવા ગામના ખેડૂતો વિરોધ કરવા આવ્યા ન હતા, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
વડોદરાથી સુરત વચ્ચેના રૂટમાં, ભરુચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પાર કરીને પુનગામ અને જુના દીવા ગામ નજીક માત્ર અડધા કિલોમીટરનો ટુકડો છે. આ કામગીરી છેલ્લા અઢી વર્ષથી અટકી પડી હતી.
ભરુચ જિલ્લાના આમોદ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ સહિત 32 ગામોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન કરાઈ છે. મોટાભાગના ખેડૂતોએ રૂપિયા 350થી 400 પ્રતિ ચોરસ મીટરના વળતર સાથે જમીન સોંપી દીધી છે.
પરંતુ પુનગામ અને જુના દીવાના ખેડૂતોએ આ વળતર સ્વીકાર્યું નથી. હાલમાં આ મામલો ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં છે. ખેડૂતોની માગણી છે કે વલસાડ, નવસારી અને બારડોલીની જેમ તેમને પણ પ્રતિ ચોરસ મીટર રૂપિયા 800થી 900નું વળતર મળવું જોઈએ.




