જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક: પ્રજાકીય પ્રશ્નોના ઝડપી ઉકેલ પર ભાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ. બેઠકમાં શહેર અને જિલ્લાના પ્રજાકીય પ્રશ્નો અંગે ધારાસભ્યો દ્વારા કરાયેલી રજૂઆતો અને તેમના નિરાકરણ માટે વિવિધ વિભાગોના અધિકારીઓ વચ્ચે સંકલિત ચર્ચા યોજાઈ.
દારાસભ્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા પૂર્વે પાણી ભરાવાની સમસ્યા, નિકાલ વ્યવસ્થા, લીકેજ, રેલવે અંડરપાસ, રસ્તાઓની હાલત અને યાત્રાધામોના વિકાસ અંગે મુદ્દા ઉઠાવાયા. જ્યારે શહેરી વિસ્તારોના દારાસભ્યોએ દબાણ દૂર કરવા, હાઉસિંગ બોર્ડ સંબંધિત પ્રશ્નો, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા, મતદાર ઓળખપત્ર અને કાયદો વ્યવસ્થાના અમલ સહિત ટ્રાફિક સમસ્યા અંગે પ્રશ્નો રજૂ કર્યા.
જિલ્લા કલેક્ટરે અધિકારીઓને તમામ પ્રશ્નોનું સત્વરે અને હકારાત્મક ઉકેલ લાવવાનો આદેશ આપ્યો. સાથે સાથે નીતિગત નિર્ણયો માટે જરૂરી દરખાસ્તો ઉચ્ચ સ્તરે મોકલવા સૂચના આપી.
બેઠકમાં ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, બાબુભાઈ પટેલ, પાયલ કુકરાણી, અમિત ઠાકર, હર્ષદભાઈ પટેલ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, કંચનબેન રાદડિયા, કૌશિકભાઈ જૈન, જિતેન્દ્રભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા, અમૂલ ભટ્ટ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા. તેમ જ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષકના પ્રતિનિધિ, નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર, અધિક નિવાસી નાયબ કલેક્ટર હાર્દ શાહ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
આ બેઠક જિલ્લા પ્રશાસન અને નાગરિક પ્રતિનિધિઓ વચ્ચે યોગ્ય સંકલન સુનિશ્ચિત કરી શહેર તથા જિલ્લામાં વિકાસલક્ષી કામગીરીઓમાં ઝડપી નિર્ણય માટેનું મંચ પુરું પાડતી રહી.






