Rajkot: “૧૮ મે : આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ” રાજકોટમાં અતિતના સંભારણા સાચવીને ૧૩૭ વર્ષોથી અડીખમ ઉભેલું વોટ્સન મ્યુઝિયમ

તા.૧૮/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
છેલ્લા એક વર્ષ દરમિયાન ૨૪ હજારથી વધુ લોકોએ લીધી વોટ્સન મ્યુઝિયમની મુલાકાત
વોટ્સન મ્યુઝિયમનું ભવન પોતે જ એક ઐતિહાસિક સ્મારક
પાષણ યુગથી આરંભ કરીને આધુનિક યુગ સુધીની બેનમુન કલાકૃતિઓ
સાતમી સદીથી ઓગણીસમી સદી સુધીના પુરાતત્વીય મહત્વ ધરાવતા શિલ્પોનો સંગ્રહ
વેકેશન દરમિયાન શહેરીજનોને વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લેવા અનુરોધ કરતા ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજ
આલેખન : માર્ગી મહેતા
Rajkot: કોઈપણ શહેર કે વિસ્તારની મુલવણી તેના આર્થિક વિકાસની સાથોસાથ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલા વારસાની પરંપરા ઉપરથી કરી શકાય છે. આ પરંપરાના પ્રતિક સમું સૌરાષ્ટ્રનું પ્રાચીનત્તમ ‘વોટ્સન મ્યુઝિયમ’ આજે પણ રાજકોટના જ્યુબિલી બાગમાં અતિતના સંભારણા સાચવીને ૧૩૭ વર્ષોથી અડીખમ ઉભું છે. દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ’ તા. ૧૮ મેના રોજ ઉજવાય છે. ત્યારે વાત કરીએ ઐતિહાસિક મહત્વ ધરાવતા વોટ્સન મ્યુઝિયમની.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા વોટ્સન મ્યુઝિયમનું સંચાલન કરાય છે. વોટ્સન સંગ્રહાલય પુરાતત્વ અને વિજ્ઞાન વિષયક બહુહેતુક મ્યુઝિયમ તરીકે આગવું સ્થાન ધરાવે છે. એપ્રિલ, ૨૦૨૪થી માર્ચ, ૨૦૨૫ દરમિયાન ૨૪,૨૭૯ લોકોએ વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લીધી છે, જેમાં ૨૮૦ વિદેશીઓનો સમાવેશ થાય છે. અહીં પાષણ યુગથી આરંભ કરીને આધુનિક યુગ સુધીની બેનમુન કલાકૃતિઓ, સાતમી સદીથી ઓગણીસમી સદીના, રાજ્યભરમાંથી આવેલા ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા શિલ્પોનો વિશેષ સંગ્રહ છે.
વોટ્સન મ્યુઝિયમમાં પ્રવેશતા જ બ્રહ્માજીની વિશાળમૂર્તિ ધ્યાનાકર્ષક છે. ત્યાંથી મધ્યવર્તી વિશાળખંડ રાજવીઓના દરબાર હોલની ઝાંખી કરાવે છે. જેમાં રાજા-મહારાજાઓના દુર્લભ શસ્ત્રો, નકશીદાર રાજાશાહી ફર્નીચર, સૌરાષ્ટ્રના નામાંકિત રાજપુરૂષોના તૈલચિત્રો અને રાજ્યચિહ્નોની પ્રતિકૃતિઓ રાજાશાહી યુગનો સાંસ્કૃતિક ઇતિહાસ રજૂ કરે છે અને રાજવીઓના રોનકભર્યા જીવનનો ખ્યાલ આપે છે.
અહીં જેઠવાઓની રાજધાની ઘુમલીના દસમી સદીના શિલ્પોની આકર્ષક કમાન ધ્યાન ખેંચે છે. ઘુમલીના શિલ્પો, માંગરોળના સાતમી સદીના ગુપ્ત શૈલીના સૂર્ય, ચોબારીના બારમી સદીના કાળા પથ્થરોની શેષશાયી વિષ્ણુ, ઝીંઝુવાડાની ભવ્ય માતૃકાઓ, શિવ-પાર્વતીની સુખાશનમૂર્તિ, બારમી સદીના ખોલડીયાદના કાળા પથ્થરોની વરાહની મૂર્તિ, સિદ્ધપુરની શ્વેત આરસના વિષ્ણુ (ત્રિલોક્ય મોહન)ની તેરમી સદીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર છે. પુરાતત્વીય વિભાગમાં પાષાણયુગના ઓજારો, મોંહે-જો-દરો, હડપ્પા તથા સિંધુ સંસ્કૃતિના અલભ્ય નમૂના, શિલ્પ સ્થાપત્યો, ક્ષત્રપકાલીન શિલાલેખો, મૈત્રકકાલિન તામ્રપત્રો, હસ્તપ્રતો પ્રદર્શિત છે, જે અભ્યાસુઓ માટે અતિ મહત્વનો વિભાગ છે.
યુરોપીયન આર્ટ વિભાગમાં શ્વેત આરસમાં કંડારાયેલી ‘રાણી વિકટોરીયા’ની પ્રતિમા દર્શનીય છે. પ્રાચીન રોમન સામ્રાજ્યની પ્રેમ અને સૌંદર્યની દેવી વિનસની પ્લાસ્ટર કાષ્ટ પ્રતિમા પણ ઉલ્લેખનીય છે. ભારતીય વસ્ત્રોની વણાટ પરંપરાનો પરિચય આપવાના હેતુસર ગુજરાતના પ્રખ્યાત પટોળા, બાંધણી, બનારસી સેલા, કિનખાબ, કારચોળી, સાટીન, નામાવલી પીસ તથા બાલુચર સાડી ઉલ્લેખનીય નમૂના છે. તેમજ અહીં ભારતીય ચિત્રકલાની ઉત્ક્રાંતિ દર્શાવતો ચિત્રકલા વિભાગ કલાપ્રેમીને આકર્ષે છે.
પહેલા માળ પર સૌરાષ્ટ્રના લોકભરત વિભાગમાં કચ્છ તથા સૌરાષ્ટ્રના ભરતકામના નમૂનાઓ, જેમાં દેશી ભરત, પેચવર્ક, આરીજરી, સાંકળીટાકાનું ભરત, હીરભરતના ચાકળા, ચંદરવા, તોરણ, પછેતપાટી પ્રદર્શિત છે. હસ્તકલા વિભાગમાં બનારસ, ત્રાવણકોર, દિલ્હી, મૈસુર, કટક, લખનૌ તથા ગુજરાતના વિવિધ પ્રાંતોના ચાંદીકામ, હાથીદાંત, સુખડકામ, જડતરકામ, બિદ્રીકામના નમૂનાઓ મુખ્ય છે. ધાતુના વાસણો, કાઠીયાવાડી પાઘડીઓ તથા ચાંદીના પાનદાનોનો અજોડ સંગ્રહ પ્રદર્શિત છે. તેમજ અહીં ગુજરાતના સંગીતવાદ્યો જેવા કે, સારંગી, દિલરૂબા, સિતાર, વિચિત્ર વીણા, રણશિંગુ, ભૂંગળ, સૂરસોટા, જોડીયાપાવા, ઢોલક મુખ્ય છે.
ગુજરાતના જનજીવનમાં આગવું સ્થાન ધરાવતી કાષ્ઠ શિલ્પ-સ્થાપત્ય અને કાષ્ઠ કોતરણીની કલા સોળમી સદીથી તબક્કાવાર પ્રદર્શિત છે. જેમાં બ્રેકેટ, કમાનો, પેનલ, ઝરૂખા, ટોડલા ખાસ ધ્યાનાકર્ષક છે. ભુસ્તરશાસ્ત્ર વિભાગમાં રોબર્ટ બ્રુસફૂટ દ્વારા પ્રાપ્ત થયેલા ખડકો અને ખનીજો જેવા કે અકીક, જીપ્સમ, બોકસાઇડ, કેલ્સાઈટ, લીગ્નાઇટ, ચુનાનો પત્થર, અબરખ ઉપરાંત પ્રાણીઓ અને વનસ્પતિના અવશેષો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક રીતે ઉપયોગી છે. સૌરાષ્ટ્રની આદિમ જાતિનું જીવનદર્શન દર્શાવતા ડાયોરામા ધ્યાનાકર્ષક છે. તેમજ જ્ઞાન સાથે આનંદ આપનારો બાળકોનો પ્રિય પક્ષી વિભાગ વિશેષ આકર્ષણરૂપ છે.
વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજ જણાવે છે કે વોટ્સન મ્યુઝિયમનું ભવન પોતે જ એક ઐતિહાસિક સ્મારક છે. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે સાગ-સીસમના લાકડાંનું બાંધકામ છે, જે વર્ષો જૂનું હોવા છતાં નબળું પડ્યું નથી. પહેલાં માળે સૂર્યપ્રકાશ આવે, તે માટે કાચ જેવા પારદર્શક નળિયાં છે. અહીં ભારતીય સંસ્કૃતિની લોકજાગૃતિ અર્થે મ્યુઝિયમ સપ્તાહ, હસ્તકલા સપ્તાહ, હેરીટેજ ડે, ફોટોગ્રાફી ડે સહિતના વિશેષ દિવસોની ઉજવણી જૂના સિક્કા અને દસ્તાવેજનું પ્રદર્શન, માટીકલા નિદર્શન, લાઇવ સ્કેચ, વિવિધ સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓથી કરવામાં આવે છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે શહેરીજનોને વોટ્સન મ્યુઝિયમની અચૂક મુલાકાત લેવા અનુરોધ છે.
વોટ્સન મ્યુઝિયમની સ્થાપના
કાઠિયાવાડના પોલિટીકલ એજન્ટ કર્નલ જહોન વોટ્સને કાઠિયાવાડમાં કરેલી સેવાઓ બદલ તેમની સ્મૃતિઓ અકબંધ રાખવા ઈ.સ. ૧૮૮૮માં વોટ્સન મ્યુઝિયમની સ્થાપના મેમોરીયલ ઇન્સ્ટીટ્યુટના મકાનમાં કરી હતી. વોટ્સન મ્યુઝિયમનું અગાઉનું નામ ‘ધ વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ’ હતું. આ મ્યુઝિયમની સંપૂર્ણ રીતે આધુનિક ઢબે પુન: રચનાનું કાર્ય ઈ.સ. ૧૯૬૮થી શરુ કરીને ઈ.સ. ૧૯૭૦માં પૂર્ણ થયું હતું.
આમ, ગુજરાત સરકાર હેઠળ વોટ્સન મ્યુઝિયમ તેની ઐતિહાસિક તવારીખ અને કલાના અજોડ સંગ્રહને કારણે સૌરાષ્ટ્રનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ઉત્તરોતર વિકાસ પામી રહ્યું છે.














