AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કમોસમી વરસાદ બે દિવસ બાદ ફરી માથું ઉચકતા લગ્ન પ્રસંગોમાં અફરા તફરીનો માહોલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

મે મહિનાનાં વચગાળાનાં દિવસોમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અણધાર્યા કમોસમી વરસાદે જનજીવનને વ્યાપકપણે પ્રભાવિત કર્યું છે.ભર ઉનાળામાં આ રીતે સતત વરસાદ પડવો એ એક અસામાન્ય ઘટના બનવા પામી છે,જેને લઈને અનેક પ્રશ્નો અને ચિંતાઓ ઊભી કરી છે.છેલ્લા દસથી બાર દિવસ સુધી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં અવિરત વરસાદ નોંધાયો હતો.ત્યારબાદ બે દિવસ માટે વરસાદે વિરામ લીધો હતો,પરંતુ ફરી એકવાર ડાંગના અંતરિયાળ ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, જે વાતાવરણમાં ભેજ અને ઠંડક જાળવી રાખે છે.આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર લગ્ન પ્રસંગો પર પડી છે.મે મહિનો લગ્નની સિઝન ગણાય છે અને ડાંગ જિલ્લામાં પણ અનેક પરિવારોમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.જો કે, અચાનક શરૂ થયેલા વરસાદના કારણે લગ્નમંડપોમાં પાણી ભરાઈ જવાની અને કાદવ કીચડ થવાની સમસ્યા સર્જાઈ છે.જેના લીધે આયોજકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.મહેમાનોને આવવા-જવામાં તકલીફ પડી રહી છે અને અનેક જગ્યાએ લગ્નની વિધિઓ પણ સમયસર થઈ શકી નથી. કેટલાક પરિવારોએ તો વરસાદના કારણે તેમના લગ્ન સ્થળમાં ફેરફાર કરવાની ફરજ પડી છે, જેના કારણે તેમને આર્થિક અને માનસિક રીતે ઘણું નુકસાન થયું છે.ખેતી પર નિર્ભર ડાંગ જિલ્લાના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ વધુ ચિંતાજનક સાબિત થયો છે.હાલમાં ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, જેમાં મુખ્યત્વે ડાંગર અને અન્ય શાકભાજીનો સમાવેશ થાય છે. અચાનક અને સતત વરસાદના કારણે તૈયાર પાકને નુકસાન થઈ રહ્યું છે.ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાક સડી જવાની કે ગુણવત્તા બગડવાની સમસ્યા બહુ થઈ છે.આના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.ઘણા ખેડૂતોએ લોન લઈને ખેતી કરી હોય છે, ત્યારે પાક નિષ્ફળ જવાથી તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે.જો કે, આ કમોસમી વરસાદની એક ઉજળી બાજુ પણ છે. ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા પોતાની કુદરતી સુંદરતા માટે જાણીતું છે.ચોમાસાની ઋતુમાં અહીં ગાઢ લીલોતરી અને આહલાદક વાતાવરણ જોવા મળે છે, જે પ્રવાસીઓને ખૂબ જ આકર્ષે છે.આ વખતે કમોસમી વરસાદના કારણે સાપુતારાનું કુદરતી સૌંદર્ય અકાળે જ ખીલી ઉઠ્યું છે.ચારે તરફ લીલાછમ વૃક્ષો અને પહાડો ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા જોવા મળે છે.વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જે શહેરોના ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો માટે રાહતરૂપ છે.સાપુતારા ખાતે ચોમાસામાં જે નયનરમ્ય દૃશ્યો સર્જાતા હતા, તેવા જ મનોહર દૃશ્યો હાલમાં આ કમોસમી વરસાદથી સર્જાયા છે,જેના કારણે પ્રવાસીઓ પણ આ અણધાર્યા કુદરતી સૌંદર્યને માણવા માટે સાપુતારા તરફ ખેંચાઈ રહ્યા છે.સ્થાનિક વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે કે પ્રવાસીઓની સંખ્યા વધવાથી તેમને ફાયદો થશે.જ્યારે બીજી તરફ ડાંગની નદીઓમાં નવા નીર આવતા પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,હવામાન વિભાગ દ્વારા 21 મી મે સુધી વરસાદની આગાહી કરવામાં આવેલ છે.જેના કારણે આ કમોસમી વરસાદ ડાંગ જિલ્લામાં હજુ કેટલી તારાજી સર્જશે અને લોકોને કેટલું નુકશાન કરશે તે અગામી દિવસોમાં જ ખબર પડશે..

Back to top button
error: Content is protected !!