ધો. 10 અને 12 પછી શું? અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ શરૂ કરી કારકિર્દી હેલ્પલાઇન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – ધોરણ 10 અને 12 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને સૌથી વધુ મૂંઝવતો પ્રશ્ન હોય છે – હવે કઈ દિશામાં અભ્યાસ કરવો? કયો અભ્યાસક્રમ પસંદ કરવો? આવાં પ્રશ્નોના સમાધાન માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (શહેર)ની કચેરીએ એક ઉપયોગી અને અનોખી પહેલ હાથ ધરી છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ‘કારકિર્દી હેલ્પલાઇન’ શરૂ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ 9909922648 નંબર પર કોલ કરીને પોતાના કારકિર્દી સંબંધી પ્રશ્નોનો ઉકેલ મેળવી શકે છે.
આ હેલ્પલાઇન પર કોલ કરીને અભ્યાસક્રમોની વિગતો, વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ વિકલ્પો, ભવિષ્યના કારકિર્દી માર્ગો અને તેનો વ્યાપ જાણવામાં સહાય મળશે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા અગાઉ પણ ડિજિટલ કારકિર્દી વિશેષાંક પ્રસિદ્ધ કરાયો હતો, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શિકા તરીકે સાબિત થયો છે. હવે હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓને વધુ નિકટથી અને ત્વરિત માહિતી મળે તે તરફ એક પગલું આગળ વેઠવામાં આવ્યું છે.
આ હેલ્પલાઇનનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને ભવિષ્ય અંગે જાગૃત બનાવી યોગ્ય માર્ગે દોરી શકાય અને તેઓ પોતાનાં હિતમાં યોગ્ય નિર્ણય લઈ શકે.
વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાથે જોડાયેલી દરેક વિગતો સરળ ભાષામાં સમજાવવામાં આવે એ દિશામાં એક કાર્યકર અને અસરકારક ઉપક્રમ તરીકે આ હેલ્પલાઇનનો આરંભ કરવામાં આવ્યો છે.