181 અભયમ હેલ્પલાઈન બની મહિલાના સંઘર્ષમાં સહારો: છ મહિનાથી થઈ રહેલા શોષણથી મળી મુક્તિ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી મહિલાને છેલ્લા છ મહિનાથી એક વ્યક્તિ સતત પીછો કરીને ધાકધમકી અને છેડતી કરીને હેરાન કરતો હતો. આ ત્રાસથી ત્રસ્ત મહિલાએ આખરે 181 અભયમ મહિલા હેલ્પલાઈનનો સહારો લીધો અને તેને સમયસૂચક મદદ મળી.
181 હેલ્પલાઈન પર ફોન કરતાં મહિલા ખૂબ જ ગભરાયેલી અવસ્થામાં હતી. તેણે જાણકારી આપી કે એક અજાણ્યો વ્યક્તિ છેલ્લા ઘણા મહિનાોથી તેનું શારીરિક અને માનસિક શોષણ કરી રહ્યો હતો. આ વ્યક્તિ મહિલાને અવારનવાર પીછો કરીને જબરદસ્તી કરવાનો પ્રયાસ કરે છે તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે.
મહિલાએ વધુમાં જણાવ્યું કે તે છ મહિનાથી એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી અને રોજિંદા તેના રસ્તામાં આ વ્યક્તિ આવતો હતો. આતંકથી ત્રસ્ત થયેલી મહિલાએ 181 હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.
181 અભયમની ટીમ ઘટના સ્થળે તત્કાળ પહોંચી અને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું. બાદમાં તે વ્યક્તિને પણ બોલાવીને કાયદાકીય સમજ આપી. ટીમ દ્વારા આ વ્યક્તિ પાસેથી બાંહેધરી લેવામાં આવી કે હવે તે મહિલાને પીછો નહીં કરે, અને ફરીથી કોઈપણ પ્રકારની છેડતી કે હેરાનગતિ નહીં કરે. તે વ્યક્તિએ પોતાનો ગુનો માનીને મહિલા સમક્ષ માફી પણ માંગી.
મહિલાએ 181 હેલ્પલાઈન દ્વારા મળેલી સહાયથી સંતોષ વ્યક્ત કર્યો અને અભયમ ટીમનો આભાર માન્યો. 181 અભયમ હેલ્પલાઈન ફરી એકવાર મહિલાઓ માટે સુરક્ષા અને સંવેદનશીલતાનો વિશ્વસનીય આધાર બની છે.