અંકલેશ્વર: NH-48 પરથી ક્રૂરતાથી લઈ જવાતી 27 ભેંસ મુક્ત:બે ટ્રકમાંથી પશુઓને બચાવાયા, ચાર આરોપીની ધરપકડ; 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર મોટી કાર્યવાહી કરી છે. રાજપીપળા ચોકડી પાસેથી પોલીસે બે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતી 27 ભેંસને મુક્ત કરાવી છે.
સ્થાનિક રહેવાસી આશિષ સોની અને તેના મિત્રોએ રાત્રે રાજપીપળા ચોકડી પાસે શંકાસ્પદ પશુ હેરાફેરી જોઈ પોલીસને જાણ કરી હતી. પોલીસે વર્ષા હોટલ નજીક તપાસ કરતાં બે ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 27 ભેંસ મળી આવી હતી.
પોલીસે ટ્રક ચાલક જીશાન મન્સૂરી, ક્લીનર ઇમરાન જમાદાર, બીજા ટ્રકના ચાલક આરીફ શેખ અને આબીદ સુલ શેખની પૂછપરછ કરી. આરોપીઓ પાસે પશુઓની હેરફેર માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો મળ્યા ન હતા.
પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ. 2.70 લાખની કિંમતની 27 ભેંસ અને રૂ. 14 લાખની બે ટ્રક મળી કુલ રૂ. 16.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



