‘ધ પ્રાઇડ ઓફ ગુજરાત’ એવોર્ડ સમારોહમાં 18 ઉદ્યોગસાહસિકોનું સન્માન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ વિતરણ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – ન્યૂઝ-18 ગુજરાતી દ્વારા આયોજિત ‘ધ પ્રાઇડ ઓફ ગુજરાત’ એવોર્ડ સમારોહમાં રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા 18 ઉદ્યોગસાહસિકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા.
આ અવસરે રાજ્યપાલે જણાવ્યું કે લોકશાહીમાં મીડિયા માત્ર માહિતી આપવાનું માધ્યમ રહી નથી, પરંતુ સમાજમાં જાગૃતિ અને સકારાત્મક વિચારસરણી ફેલાવતું શક્તિશાળી સાધન બની ગયું છે. જ્યારે મીડિયામાં સકારાત્મક પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવે છે, ત્યારે સામાન્ય લોકોમાં પણ ઉત્સાહ ઊભો થાય છે અને તેઓ પણ સર્જનાત્મક યોગદાન આપવાની પ્રેરણા મેળવે છે.
તેમણે કહ્યું કે, મહાન વ્યક્તિ એ નથી જે ફક્ત પોતાના હિત માટે જીવે છે, પરંતુ તે છે જે બીજાની પ્રગતિને પોતાની પ્રગતિ માને છે. ઇતિહાસ હંમેશા એવા લોકોએ રચ્યો છે જેમણે સમાજમાં શાંતિ, શિક્ષણ, સેવા, સંસ્કૃતિ અને મૂલ્યો માટે કાર્ય કર્યું છે.
રાજ્યપાલે ન્યૂઝ-18ના પ્રયાસોને સરાહનીય ગણાવ્યા હતા અને કહ્યું કે આ માધ્યમ વિવિધ ભાષાઓ અને પ્રદેશોમાં જનજાગૃતિનો ધ્વજ ઊંચો રાખીને સમાજમાં સકારાત્મકતા ઉભી કરી રહ્યું છે.
એડિટર રાજીવ પાઠકે રાજ્યપાલના આગમનને ગૌરવપૂર્ણ ગણાવતાં સ્વાગત પ્રવચન આપ્યું હતું. એવોર્ડ વિતરણ સમારોહમાં ન્યૂઝ-18ના કર્મચારીઓ, સન્માનિત ઉદ્યોગસાહસિકો અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલે તમામ વિજેતાઓને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે તેઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.