
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.”મા ભારતીનાં વીર જવાનો દ્વારા “ઓપરેશન સિંદૂર” માં દર્શાવવામાં આવેલ સાહસ, શૌર્ય અને સમર્પણને બિરદાવવા તેમજ તેમની અતુલનીય સેવા બદલ સન્માન પ્રદાન કરવાના ધ્યેય સાથે આ તિરંગા યાત્રા યોજાઈ હતી.ડી.જેનાં સથવારે દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા આંબામાતાજીના મંદિરેથી પ્રારંભ થઈ હતી.મેઈન બજારમાં ફરીને વઘઈ સર્કલ ખાતે ગાંધી મેદાન સુધી પહોંચી હતી.જ્યા કાર્યક્રમનું સમાપન થયુ હતુ.
આ યાત્રામાં 500 થી વધુ દેશપ્રેમી લોકો જોડાયા હતા અને “ભારત માતા કી જય” અને “વંદેમાતરમ્” ના ગગનચુંબી જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું.આ ભવ્ય કાર્યક્રમમાં વઘઈ નગરના ગ્રામજનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ,વઘઈ તાલુકા પ્રમુખ ચંદરભાઈ ગાવિત, ડાંગ જિલ્લાના પરમ પૂ.ગીરજાનંદ સરસ્વતી અનમોલ મહારાજ, વેપારી અગ્રણી સુભાષભાઈ બોરસે, સમાજસેવક સુરેશભાઈ કાંજીયા, દિલીપભાઈ ચૌહાણ, મયુરભાઈ પટેલ, રવિભાઈ સુર્યવંશી, રિતેશભાઈ એ. પટેલ, પુન્યાભાઇ સોહલા, ધર્મેશભાઈ પટેલ, પુનમભાઈ ગોસ્વામી, વિનીત પટેલ, પંકજભાઈ પટેલ, બીપીનભાઈ પંજાબી સહિત વઘઈ તાલુકાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે ભારતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. વિશેષ રૂપે, ડાંગ જિલ્લાના ભૂતપૂર્વ સૈનિકો આનન્દભાઈ પવાર અને સુભાનભાઈ ચૌધરીને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાને “ઓપરેશન સિંદૂર” ની સફળતા માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સૈનિકોની આ સફળતા માટે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ગર્વના માહોલથી છવાઈ ગયો હતો..






