ભરૂચમાં ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો:બે મહિલાઓની ધરપકડ, ત્રણ આરોપી ફરાર; 1.83 લાખનો મુદ્દામાલ જપ્ત


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર 19મી મેના રોજ બનેલી ચેઇન સ્નેચિંગની ઘટનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. પોલીસે બે મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી દોઢ તોલાની સોનાની ચેઇન અને ગુનામાં વપરાયેલું મોપેડ સહિત કુલ રૂ.1,83,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઘટના બપોર બાદ બની હતી. બે અજાણ્યા શખ્સો બ્લ્યુ કલરની હોન્ડા ડીઓ મોપેડ પર આવ્યા હતા. તેમણે રસ્તે ચાલતી એક મહિલાની દોઢ તોલાની ચેઇન ઝૂંટવી લીધી હતી. એલસીબીના પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી. સીસીટીવી ફૂટેજથી મોપેડ નંબર GJ-16-CC-2021 શોધી કાઢવામાં આવ્યો.
તપાસમાં જાણવા મળ્યું કે મોપેડ ભરૂચના ફાટા તળાવ વિસ્તારના સલમાન ગુલામ રસુલ શેખનું છે. તેના સાથીઓમાં મોહસીન રફીક અંસારી (જુહાપુરા, અમદાવાદ) અને ફૈઝાન ઉર્ફે પંડિત સામેલ હતા. ગુના બાદ તેઓ ચોરીની ચેઇન સલમાનની માતા અને પત્નીને આપીને ફરાર થઇ ગયા હતા.
પોલીસે સલમાનની માતા ફાતેમા અને પત્ની તનવીરાને પકડી લીધા. પૂછપરછમાં તેમણે ગુનો કબૂલ્યો. મહિલાઓએ જણાવ્યું કે સલમાન વારંવાર ચોરીના ગુનાઓમાં સંડોવાય છે અને ચોરીની વસ્તુઓ ઘરે વેચવા મૂકી જાય છે.
ક્રાઇમ બ્રાન્ચે બંને મહિલાઓ સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા હેઠળ ગુનો દાખલ કર્યો છે. મુખ્ય આરોપી સલમાન ગુલામ રસુલ શેખ, મોહસીન રફીક અંસારી અને ફૈઝાન ઉર્ફે પંડિત હજુ ફરાર છે. તેમની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.




