ભરૂચ મામલતદાર કચેરી સામેથી દબાણ હટાવાયા:50થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના કણબી વગા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીની સામેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મામલતદાર માધવી મિસ્ત્રીના નેતૃત્વમાં બુધવારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા. આ ઝૂંપડાઓમાં કેટલાય શ્રમિક પરિવારો વર્ષોથી રહેતા હતા. સરકારી જમીન પર અનધિકૃત રીતે બાંધવામાં આવેલા આ દબાણો દૂર કરવા માટે તંત્રએ અગાઉ સૂચના આપી હતી.
દબાણ હટાવ અભિયાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ કલેક્ટર કચેરીનો આસપાસનો વિસ્તાર દબાણમુક્ત થયો છે.
આ મુદ્દે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે શ્રમિકો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેમણે માંગ કરી છે કે સ્ટેશન રોડ પરના પાકા બાંધકામો અને CT સેન્ટર ડેપોમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવે.




