બાયડ તાલુકાના અલાણા ગામના મોરપીંછ સખી મંડળે સ્વનિર્ભરતા નું ઉદાહરણ પૂરું પાડ્યું

કિરીટ પટેલ બાયડ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલું અલાણાના લીલાબેન ચમાર અને તેમના પરિવારે પોતાની કલાત્મક પ્રતિભા અને સખત મહેનતથી એક અનોખી સફળતા મેળવી રહ્યા છે. “મોરપીંછ સખી મંડળ”ની, જે ગ્રામીણ મહિલાઓની આર્થિક સ્વાવલંબન અને સ્વનિર્ભરતાનું જીવંત ઉદાહરણ બની રહી છે. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ એજન્સીના અરવલ્લીના સહયોગથી આ મંડળે પોતાના પરિવારનું જીવન બદલ્યું, અને ગામની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી છે.
લીલાબેન ચમાર, એક સામાન્ય ગ્રામીણ મહિલા, જેમની પાસે શરૂઆતમાં આર્થિક સંસાધનોની અછત હતી, પરંતુ તેમની પાસે હતી અદભૂત કલાત્મક કુશળતા અને સ્વપ્નોને સાકાર કરવાની દ્રઢ ઇચ્છા. તેમણે મોરપીંછનો ઉપયોગ કરીને સુંદર અને આકર્ષક મોરની પ્રતિકૃતિઓ બનાવવાનું શરૂ કર્યું. આ કલાકૃતિઓ એટલી સુંદર અને નાજુક હતી કે તેની લોકચાહના ગામથી લઈને શહેરો સુધી ફેલાઈ.
ગુજરાત સરકારની ગ્રામ વિકાસ એજન્સી અરવલ્લીની યોજનાઓએ આ પરિવારની પ્રતિભાને નવું આયામ આપ્યું. એજન્સીએ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદનોને બજારમાં પહોંચાડવા માટે પ્રદર્શનો, તાલીમ કાર્યક્રમો અને માર્કેટિંગની તકો પણ પૂરી પાડી. આ સહયોગથી મોરપીંછ સખી મંડળની કલાકૃતિઓ રાજ્યભરમાં લોકપ્રિય બની. આજે આ મંડળની પ્રતિકૃતિઓ ઘરની સજાવટ, લગ્નની ભેટો અને સાંસ્કૃતિક પ્રસંગોમાં ખૂબ માંગમાં છે. આ પરિવાર મોરની આકર્ષક પ્રતિકૃતિઓ ઉપરાંત મંદિરો અને મસ્જિદોમાં સજાવટ માટે ઉપયોગી વસ્તુઓ તૈયાર કરે છે. ગુજરાત સરકારની ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી આ મંડળે લોકપ્રિયતા મેળવી છે. આ કલાકૃતિઓ દ્વારા પરિવાર આર્થિક સ્વાવલંબન હાંસલ કરે છે અને ગામની મહિલાઓને પ્રેરણા આપે છે. આ સફળતા ગ્રામીણ કલા અને સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે.
મોરપીંછ સખી મંડળની સફળતા આર્થિક સામાજિક પરિવર્તનનું પ્રતીક છે. લીલાબેનના નેતૃત્વમાં આ મંડળે ગામની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી.જેમના માટે આ કામ આવકનું સાધન અને તેમની પ્રતિભા ,આત્મસન્માનનો પણ સ્ત્રોત બન્યું છે.આ સખી મંડળ દ્વારા પોતાની કલાકૃતિઓ દ્વારા ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરે છે.
નાના ગામની મહિલાઓ પણ, ગુજરાત રાજય સરકારના અનેક યોજનાઓ અને યોગ્ય માર્ગદર્શન અને તકથી મોટા સપનાં સાકાર કરી રહી છે,લીલાબેન અને તેમના મંડળે સાબિત કર્યું કે મહેનત, કલા અને સમુદાયના સહયોગથી કોઈ પણ પડકારોને પાર કરી શકાય છે. આજે મોરપીંછ સખી મંડળના મોર અનેક જગ્યાએ ઘરની મંદિર અને મસ્જિદોમાં શોભા વધારી રહ્યા છે, જે ગ્રામીણ ભારતની શક્તિ અને સર્જનાત્મકતાને દર્શાવે છે.




