Rajkot: “અમારું ગામ -સ્વચ્છ અને પ્લાસ્ટિક મુકત ગામ” ખીરસરા, વાજડી, મેટોડા સહિતના ગામો બન્યા સ્વચ્છ અને સુંદર
તા.૨૬/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગઈકાલે રસ્તાના કિનારે પ્લાસ્ટિકની નકામી થેલીઓ, કચરોઓનો ગંજ અને આજે એકદમ ચોખ્ખુ સ્વચ્છ ગામ…. આ છે રાજકોટ જિલ્લાના અનેક ગામોની કહાની. રાજકોટ જિલ્લામાં પ્લાસ્ટિકમુક્ત અભિયાન અન્વયે ગામેગામ સફાઈ અભિયાન ચાલી રહ્યા છે. જેની સાક્ષી આ તસવીરો છે. ગ્રામજનો ઈચ્છે તો ગામને સ્વચ્છ અને સુંદર બનાવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રાજકોટના ખીરસરા, વાજડી, મેટોડા સહિતના ગામોમાં જોવા મળ્યું છે.
સરપંચ અને ગ્રામજનોએ મળીને ગામડાઓની શેરીઓને પ્લાસ્ટિકમુક્ત અભિયાન અન્વયે સફાઈ કાર્યક્રમો યોજી શેરીઓ વાળી કચરો ઉપાડી સુંદર બનાવી છે. ખુલ્લા મેદાનો, રસ્તાની બાજુમાં ઝાડી-જાંખરાઓ દૂર કરી આજુબાજુમાં વેરાયેલી પ્લાસ્ટિકની નકામી થેલીઓ વીણી વીણીને દૂર કરવામાં આવી છે. આ અભિયાન સતત ચાલુ રાખી ગામમાં બીનજરૂરી કચરો નહીં કરવા સરપંચ દ્વારા ગ્રામજનોને સમજાવી આપણું ગામ સ્વચ્છ અને પ્લાસ્ટિક મુકત ગામની નેમને સાકાર કરવા પ્રતિબુદ્ધતા દર્શાવી છે.