પ્રવર્તમાન સમયમાં પ્રકૃતિ સંરક્ષણ એ સૌથી મોટી રાષ્ટ્રસેવા છે, જેને શિક્ષકો જ સુપેરે કાર્યાન્વિત કરશે. – ગજેન્દ્રકુમાર જોશી
પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરતા દેશના 120 શિક્ષકોનો સન્માન કાર્યક્રમ સંપન્ન
તા. 25 મે, 2025 અને રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાં સ્થાનિક સ્તરે પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના કાર્યમાં જોડાયેલા 120 શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો. આ સમારોહમાં ઈકોલોજી અને વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશન ક્ષેત્રે મોટું યોગદાન આપનાર સર્વશ્રી ભરતભાઈ પાઠક, ગ્રીન મેન્ટર્સના સ્થાપક ડિરેક્ટર અને ગ્રીનીંગ એજ્યુકેશનમાં વૈશ્વિક સ્તરે કામ કરી અનેક સન્માનો મેળવનાર ડો. વિરેન્દ્ર રાવતજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નડિયાદ વિભાગના સંઘચાલક શ્રી રસિકભાઈ પટેલ, આ કાર્યક્રમના યજમાન અને જ્ઞાન લાઈવ સંસ્થાના પ્રોપાયટર શ્રી ચેતનભાઈ પટેલે એવોર્ડી શિક્ષકોને અભિનંદન સહ વિશેષ માર્ગદર્શન આપ્યું. આ સાથે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં શિક્ષણવિદ અને વિશેષ તો પર્યાવરણપ્રેમી શ્રી ગજેન્દ્રકુમાર જોશી સાહેબે પ્રદૂૂષણની સમસ્યાનો ચિતાર આપ્યો. કુદરતી સંસાધનોના જતનમાં શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરતાં ભારતના બંધારણની કલમ 51- (ક) નો નિર્દેશ કરી શાળા કક્ષાએ શું શું થઈ શકે તે માટે કરવાનાં કામોની સુંદર છણાવટ કરી. પ્રકૃતિ સંરક્ષણ એ સૌથી મોટી રાષ્ટ્રસેવા છે તે શિક્ષકો જ સુપેરે કરી શકશે તે વિશ્વાસ સાથે સૌને તેમાં સહયોગી બનવા અનુરોધ ક્રર્યો. આ ઉપરાંત એન્વારમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રજનીશભાઈ પટેલ, માધવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કનુભાઈ પ્રજાપતિ, સામાજિક કાર્યકર શ્રી મનુભાઈ ચોકસી, શિક્ષણ વિભાગના ઉપ સચિવ શ્રી તુષારભાઈ પટેલ, ‘હું છું પર્યાવરણ સંરક્ષક’ અભિયાનના સૂત્રધાર અને આજના કાર્યક્રમના માર્ગદર્શક શ્રી પુલકિત જોષી, શિક્ષણ વિભાગના પૂર્વ અધિકારી શ્રી બહાદુરસિંહ સોલંકી સહિત અનેક સન્માનનીય વ્યક્તિઓની પ્રેરક ઉપસ્થિતિ રહી. શિક્ષકોને સન્માનપત્ર અને મોમેન્ટો ઉપરાંત ભેટ સ્વરૂપ કીટ આપવામાં આવી. અન્ય રાજ્યમાંથી આવેલા શિક્ષકો પોતાનો પ્રતિભાવ ટાણે ગુજરાતના આતિથ્યની વાત કરતાં ભાવવિભોર થઈ ગયા. પર્યાવરણ ક્ષેત્રે પોતે હવે જબરદસ્ત કામ કરશે તેની ખાતરી દરેક શિક્ષકે આપી અને સુંદર સ્નેહમિલનના આનંદ સાથે સૌ છૂટા પડ્યા.