BANASKANTHAGUJARATPALANPUR

શ્રી રામ જન્મભૂમિ દર્શન માટે અનુસૂચિત જનજાતિના લોકો માટે સરકારશ્રીની ખાસ સહાય યોજના

28 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી રામ જન્મભૂમિ દર્શન માટે અનુસૂચિત જનજાતિના લોકો માટે સરકારશ્રીની ખાસ સહાય યોજના અયોધ્યા યાત્રા માટે વનબંધુ પ્રજાને રાજ્ય સરકાર તરફથી રૂ. ૫૦૦૦/- ની સહાય મળશે
ભારતની અને દુનિયાની સંસ્કૃતિમાં તીર્થયાત્રા ખાસ મહત્વ ધરાવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન અયોધ્યા ખાતે આવેલ “શ્રી રામ જન્મભૂમિ”ના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ખાસ કરીને ગુજરાત રાજ્યના અનુસૂચિત જનજાતિ – વનવાસી પ્રજા માટે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે ભગવાન “શ્રી રામ”ના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા માટે સરકારશ્રી આગળ આવી છે.ડાંગ જિલ્લામાં આવેલ ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતા અને અનુસૂચિત જનજાતિના (વનવાસી) સમાજની આસ્થા સમાન શબરીધામ (સુબીર) કે જ્યાં લોકવાયકા પ્રમાણે ભગવાન “શ્રી રામ” અને “માં શબરી”ની મુલાકાત થઈ હતી. તેની સ્મૃતિમાં “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે યાત્રા કરવા માટે ગુજરાતમાં વસતા અનુસૂચિત જનજાતિ-વનવાસી પ્રજા માટે “શ્રી રામ જન્મભૂમિ શબરી સ્મૃતિ યાત્રા સહાય યોજના” હેઠળ રૂ.૫૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પૂરા)ની પ્રોત્સાહક રકમ આર્થિક સહાય તરીકે આપવામાં આવશે. આ યોજનાનું અમલીકરણ “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર” દ્વારા કરવામાં આવે છે. આ સહાય મેળવવા માટે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં ૧૨ વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી નાગરિકોને જ લાભ મળવાપાત્ર રહેશે. એક વ્યક્તિને જીવનકાળ દરમિયાન એકવાર (જીવનમાં એકવાર) લાભ મળવાપાત્ર રહેશે. અરજીમાં યાત્રાની તારીખ, યાત્રાળુઓની સંખ્યા, યાત્રાની શરૂઆત તથા પૂર્ણ થયાનું સ્થળ, અરજી તારીખ, અરજી કરનારની સહી, ફોન/ મોબાઈલ નંબર, E-mail Id (ઉપલબ્ધ હોય તો ) તેની સ્પષ્ટતા કરવાની રહેશે. અરજી સાથે પુરાવા તરીકે આધારકાર્ડ, ખરાઈ કરેલ જાતિ પ્રમાણપત્ર Leaving Certificate, બેંકની ડિટેલ (પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ)ની સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે. અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલ હોય તે વ્યક્તિઓ જ યાત્રા કરી શકશે. તે પોતાની સાથે અરજી ન કરી હોય તેવી બીજી કોઈ વ્યક્તિને સાથે લઈ જઇ શકશે નહીં. ગ્રુપમાં કરેલ અરજીના દરેક વ્યક્તિઓના ક્રમ (૪) અને (૫) માં દર્શાવેલ દસ્તાવેજની સ્વ-પ્રમાણિત નકલ જોડવાની રહેશે. અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” વર્ષમાં યાત્રા માટે અરજી એમ લખવાનું રહેશે. યાત્રા કરતાં પહેલાં પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ની યાત્રા માટે અરજીઓ સ્વીકારવામાં આવશે અને યાત્રાની મંજૂરી આપવામાં આવશે. અરજી પોસ્ટ દ્વારા પણ સ્વીકારવામાં આવશે. અરજી પ્રવાસની તારીખ પહેલાં ૧૦ (દસ) દિવસ પૂર્વે કરવાની રહેશે. યાત્રાના પુરાવારૂપે સરકારી બસ/ રેલવે/ હવાઈની આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા / ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો/અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના ૨ થી ૩ રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!