ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ‘મેરા ભારત, મેરા સંકલ્પ’ શપથ કાર્યક્રમનું ભવ્ય આયોજન

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ- ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (AIU) દ્વારા પશ્ચિમ ઝોનના વિદ્યાર્થી શપથ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ‘યુવા શક્તિ, ભારત કી શક્તિ – એક યુવા, એક રાષ્ટ્ર, એક સંકલ્પ’ શીર્ષક સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ઉમટી પડેલા વિદ્યાર્થીઓએ દેશપ્રેમ, સામૂહિક સંકલ્પ અને રાષ્ટ્રીય અભિગમને ઉજાગર કરતા સંકલ્પ લીધા.
પ્રમુખ પદે ઉપસ્થિત રેલનગરના મેયર પ્રતિભાબહેન જૈને તેમના ઉદબોધનમાં કહ્યું કે, પહેલગામમાં થયેલા જઘન્ય આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા ધીરજ અને દ્રઢતા સાથે જવાબ આપ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ ભારત આત્મનિર્ભર અને આતંકવાદમુક્ત દેશ બનવા દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે દેશવાસીઓને ‘મેક ઇન ઇન્ડિયા’, ‘વોકલ ફોર લોકલ’ અને વિદેશી ઉત્પાદનોના બહિષ્કારનો અવાજ ઉંચો કરવા અપીલ કરી.
વિશ્વવિદ્યાલયની વાઈસ ચાંસેલર અમીબહેન ઉપાધ્યાયે જણાવ્યું કે ભારત હવે આત્મનિર્ભર છે અને ધર્મના નામે પેદા થતી હિંસાને સહન કરવાનું બંધ કરી દીધું છે. ઓપરેશન સિંદૂર એ માત્ર એક સેનાકીય જવાબ નથી, પરંતુ સમગ્ર ભારતની યુવા શક્તિના સંકલ્પ અને આત્મવિશ્વાસનું પ્રતિક છે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ‘મેરા ભારત, મેરા સંકલ્પ’ના આશયથી રાષ્ટ્રસેવા, એકતા, મતદાનમાં ભાગ, સ્વચ્છતા, રાષ્ટ્ર પ્રતીકોનો સન્માન, અને આત્મનિર્ભર ભારત તરફ સંકલ્પ લીધા.
આ શપથ સમારોહમાં યુનિવર્સિટીના બોર્ડ મેમ્બર્સ યતીન પટેલ અને જયેશ પટેલ, રજિસ્ટ્રાર અજયસિંહ જાડેજા અને અન્ય અગ્રણીઓ ઉપરાંત રાજ્યભરના અનેક વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
ભારતીય યુવા પેઢી આજે દેશના વિકાસમાં ફક્ત ભાગીદાર નહીં, પણ માર્ગદર્શક તરીકે ઉભરી રહી છે — આ કાર્યક્રમ એ તેનું ઉત્તમ પ્રતિબિંબ રહ્યો.







