ભરૂચ 31 મે 2025 (શનિવાર) – વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ (World No Tobacco Day) નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ 31 મે 2025 (શનિવાર) – વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ (World No Tobacco Day) નિમિત્તે ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ કેમ્પ 31 મે, શનિવારના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી ચાલશે.આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે.
આ વિશાળ કેમ્પ ભરૂચ, અંકલેશ્વર, રાજપાવડી, ઝઘડિયા, દહેજ સહિત 70 થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે.120થી વધુ દંતચિકિત્સકો આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચાવના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યમાં સહભાગી થવા અને પોતાના તથા પોતાના પરિવારજનોના તંદુરસ્ત ભવિષ્ય માટે મફત મોઢાના કેન્સરની તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે. ભરૂચ-અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડૉ. રૂનીત જૈને જણાવ્યું હતું કે, “આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે.”




