Rajkot: ‘પ્લાસ્ટિક મુક્તિ’ના સંદેશ સાથે યોજાયેલી વોકાથોનને જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રભવ જોશીએ પ્રસ્થાન કરાવ્યું

તા.૨૯/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
એથ્લેટિક્સના ખેલાડીઓ, કોચિસ મોટી સંખ્યામાં જોડાયા
પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી સાથે પ્રકૃતિના જતનનો સંદેશ અપાયો
Rajkot: રાજકોટમાં આજે ‘પ્લાસ્ટિક મુક્તિ’ના સંદેશ સાથે યોજાયેલી વોકાથોનને જિલ્લા ક્લેક્ટર શ્રી પ્રભવ જોશીએ રેસકોર્સ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વોકાથોનમાં એથ્લેટિક્સના ખેલાડીઓ, કોચ મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલી સાથે પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.
ભારત સરકાર દ્વારા આ વર્ષે ‘વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ની થીમ સાથે ‘પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. જે અન્વયે હાલ ‘પ્લાસ્ટિક પ્રદૂષણ’ને દૂર કરવા પ્રિ-કેમ્પેઈન ચાલી રહ્યા છે. જે અંતર્ગત આજે રાજકોટ જિલ્લામાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજે સવારે વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વોકાથોનને પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ કહ્યું હતું કે, પ્લાસ્ટિક એક વખત બન્યા પછી વર્ષો સુધી નષ્ટ થતું નથી અને પર્યાવરણને હાનિ પહોંચાડે છે. તેમણે પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડીને પ્રકૃતિનું સંરક્ષણ કરવા અપીલ કરી હતી.
વોકાથોનના આરંભ પૂર્વે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રાએ કલેકટરશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ અવસરે પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડીને પયાર્વરણના જતન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
રેસકોર્સના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી વોકાથોનમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના એથ્લેટિક્સના ખેલાડીઓ, કોચ વગેરે જોડાયા હતા. આ તકે અનેક બાળકોએ વૃક્ષોના પહેરવેશ પહેરીને અનોખું આકર્ષણ જગાવ્યું હતું. આ સાથે વૃક્ષોના જતનનો સંદેશ આપ્યો હતો.
આ તકે જિલ્લા રમત અધિકારી શ્રી વી.પી. જાડેજા, બેડમિન્ટન સ્ટેટ કોચ શ્રી આકાશ વડોદરિયા, એથ્લેટિક્સ કોચ શ્રી રાહુલ કરકી વગેરે જોડાયા હતા.








